રફીક એફ. ચાકી દ્વારા : કોટડા-ચ. (તા. ભુજ), તા. 1 : કોટડા-ચકાર
પંથક સહિત પદ્ધર અને કાળીતળાવડી જેવાં ગામડાંઓમાં હાલ રવીપાકની કાપણીને લઈને ખેતરોમાં
ધમધમાટ જોવા મળી રહ્યો છે. સવારથી સાંજ સુધી ખેડૂત પરિવાર અને મજૂરો ખેતરોમાં વ્યસ્ત
દેખાઈ રહ્યા છે. ખાસ કરીને રાયડો અને અમુક વિસ્તારોમાં ધાણાની કાપણી પૂરજોશમાં ચાલી
રહી છે. આ વર્ષે પંથકમાં રાયડો, ઘઉં અને
ધાણાનું સારાં પ્રમાણમાં વાવેતર થયું હોવાનું જાણવા મળ્યું છે. અનુકૂળ હવામાન અને સિંચાઈની
સુવિધાને કારણે પાક સારી સ્થિતિમાં જોવા મળી રહ્યો છે. ખેડૂતોએ સારાં ઉત્પાદનની આશા
વ્યક્ત કરી છે. કોટડા (આ.)ના ખેડૂત અને સરપંચે જણાવ્યું હતું કે, રાયડો અને ધાણા જેવા પાકોમાં સારો ઉતારો મળવાની સંભાવના છે અને આ વર્ષે રવીપાક
આર્થિક રીતે લાભદાયક સાબિત થઈ શકે છે. કચ્છ જિલ્લાની સૂકી અને અર્ધસૂકી આબોહવા રવીપાકો
માટે અનુકૂળ માનવામાં આવે છે. ખાસ કરીને રાયડો અને ધાણા ઓછાં પાણીમાં પણ યોગ્ય ઉત્પાદન
આપતા હોવાથી ખેડૂતો માટે મહત્ત્વપૂર્ણ વિકલ્પ બની રહ્યા છે. કૃષિ જાણકારોના જણાવ્યા
મુજબ બંને પાક કચ્છની જમીન અને વાતાવરણને અનુકૂળ સાબિત થઈ શકે છે, તેવું જાણકારો કહે છે. રાયડો કચ્છનાં ક્ષારીય અને સૂકાં વાતાવરણમાં સરળતાથી
ઊગે છે. અંદાજે એક એકર દીઠ 800થી 1,000 કિલો (40થી 50 મણ) ઉત્પાદન મળે છે. પ્રતિ એકર ખર્ચ અંદાજિત રૂા. આઠથી દસ હજાર
જેટલો થાય છે. ઓછા રોગ અને જીવાતનાં કારણે ખેડૂતો માટે આ પાક ઓછા જોખમવાળો માનવામાં
આવે છે. - મસાલા પાક બજારમાં ધાણાની માંગ
: ધાણા મસાલા પાક તરીકે જાણીતા હોવાથી બજારમાં
તેની માંગ સારી રહે છે. એક એકર દીઠ અંદાજે 600થી 800 કિલો (30થી 40 મણ) ઉત્પાદન થાય છે. અંદાજિત ખર્ચ રૂા. બારથી પંદર હજાર સુધી
પહોંચી શકે છે. ફૂલ આવતી વેળાએ ઝાકળ કે વાદળછાયું વાતાવરણ રહે તો `ચરમી'
અથવા `ભૂકી છારો' જેવા રોગનો ભય રહે છે. વાતાવરણ અને માવજત મુજબ
રાયડો અંદાજે 100થી 110 દિવસમાં તૈયાર થાય છે, જ્યારે ધાણાનો પાક અંદાજિત 110થી 120 દિવસ લઇ શકાય છે. રાયડામાં
બિયારણનો જથ્થો ઓછો હોય છે, જ્યારે ધાણામાં
વધુ બિયારણ જરૂરી બને છે. પાણીની જરૂરિયાત પણ રાયડામાં ઓછી રહે છે. નિષ્ણાતોનું કહેવું
છે કે, મર્યાદિત પાણીની સ્થિતિમાં રાયડો વધુ અનુકૂળ છે,
જ્યારે પૂરતું પાણી અને અનુકૂળ બજારભાવ હોય તો ધાણા વધુ નફાકારક બની
શકે છે. જમીન પરીક્ષણ અને ટપક પિયત પદ્ધતિ અપનાવવાથી ઉત્પાદન 15થી 20 ટકા સુધી વધારી શકાય છે. - મશીનો છતાં મજૂરોની માંગ યથાવત્ : ફેબ્રુઆરીના
અંતથી થ્રેસર અને હાર્વેસ્ટર જેવાં મશીનોનો ઉપયોગ શરૂ થયો છે. કેટલીક જગ્યાએ હાર્વેસ્ટરથી
કાપણી ચાલી રહી છે, જ્યારે અન્યત્ર
મજૂરો દ્વારા પરંપરાગત રીતે પાક કાપી ગોઠવવામાં આવી રહ્યો છે. રેહાના સરપંચ અને ખેડૂતે
જણાવ્યું હતું કે, મશીનો આવ્યા હોવા છતાં કાપણીના તમામ તબક્કામાં
મજૂરોની જરૂરિયાત યથાવત્ રહે છે. આ રીતે તાલુકા પંથકમાં હાલ કાપણીનો માહોલ ગ્રામ્ય
અર્થતંત્રમાં નવી ગતિ લાવી રહ્યો છે. ખેતરોથી બજાર સુધી વધતી હલચલને કારણે ખેતી આધારિત
પ્રવૃત્તિઓ તેજ બની છે અને ખેડૂતોમાં આનંદ અને આશાવાદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.