દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુન્દ્રા, તા. 21 : ભારત બહારની જૈન સંસ્થાઓનું
સૌથી મોટું સંગઠન છે જૈના ( JAINA- ફેડરેશન
ઓફ જૈન એસોસિએશન ઇન નોર્થ અમેરિકા) . 1981માં સ્થપાયેલી 75થી વધુ સેન્ટરો તેમજ અને અમેરિકા તથા કેનેડામાં લગભગ બે લાખથી
વધુ સભ્યો ધરાવતી આ સંસ્થાનો ઉદ્દેશ જૈન ધર્મ, તેના સિદ્ધાંતો, પરંપરાઓ, સંસ્કાર અને જાળવણીનો છે. જૈના એ ખાસ કરીને
જૈનિઝમને સંરક્ષિત, પ્રોત્સાહિત અને વિકસિત કરવામાં મહત્વની ભૂમિકા
ભજવે છે. `જૈના' ના વર્તમાન વાઇસ પ્રેસિડન્ટપદે રહેલા અને તાજેતરમાં
કચ્છમાં બિદડા સર્વોદય ટ્રસ્ટના વિશાળ કેમ્પના મુખ્ય અતિથિપદે ઉપસ્થિત રહેલા ડો. જયેશ
શાહની કચ્છમિત્રએ ખાસ મુલાકાત કરી હતી. મૂળ ઉત્તર ગુજરાતના પાલનપુર નજીકના તાકરવાડા
ગામમાં જન્મેલા અને અમદાવાદમાં શાળાકીય શિક્ષણ અને તબીબી ડીગ્રી મેળવ્યા બાદ અમેરિકાના
લોસ એન્જેલિસમાં રેસીડેન્ટ ડોક્ટર ટ્રાનિંગ પછી ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી હતી. એ પછી
અહીં જ સ્થાયી થયા અને 43 વર્ષથી તબીબી પ્રેક્ટીસ સાથે
સાથે સેવાકીય વલણ તેમજ સેવા પ્રવૃતિ માટે જાણીતા છે. વૃદ્ધોની સારવાર અને સંભાળ માટેની
વિશિષ્ટ પદ્ધતિને કારણે તેઓ લોકપ્રિય તબીબ બની રહ્યા છે અને અમેરિકી મેડિકલ ક્ષેત્રમાં
સારી નામના ધરાવે છે. વૃદ્ધોની શારીરિક, માનસિક તકલીફોની સારવાર માટેની આ જેરીયાટીક પદ્ધતિ તરીકે જાણીતા વિષયના તેઓ
નિષ્ણાત તબીબ છે. અમેરિકામાં ડો. શાહ એ વરિષ્ઠ નાગરિકોએ કેવી રીતે સ્વસ્થ રહેવું એના
સૂચનો તેમજ આજના યુવાનોને ધર્મ તરફ કેમ વાળવા તેના પ્રયાસોમાં પણ સક્રિય છે. તેઓ `જૈના'
ઉપરાંત અમેરિકાની અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ડાયમંડ
ઉદ્યોગપતિ પરિવારમાં જન્મેલા પણ એ ક્ષેત્રને પડતું મૂકીને સેવાના હેતુથી તબીબી વ્યવસાય
પસંદ કરનારા ડો. જયેશભાઈના ધર્મપત્ની રમીલાબેન તબીબી ક્ષેત્રમાં જ છે અને પુત્ર આકાશભાઈ
- પુત્રવધુ ખુશ્બુબેન અને દીકરી અવનીબેન - જમાઈ સંજીતભાઈ એમ તમામ પરિવાર ડોકટર જ છે. - જૈનાની એક્ઝિક્યુટિવ
કમિટીમાં હોવાને નાતે તમારી પ્રાથમિકતા ? : જૈનાને વિશ્વવ્યાપી સ્તરે લઈ જવાની અમારી
નેમ છે. બીજું,
ખાસ કરીને અમારા તમામ સેન્ટરોને જૈન સેન્ટર અને જૈના વચ્ચે સંબધ ગાઢ કરવો છે. નાના-મોટા તમામ સંગઠન વચ્ચે સંકલન
કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છીએ. - નવી પેઢીને જોડાયેલી રાખવા આગામી 10 વર્ષોમાં કેવા પગલાંની પરિકલ્પના
રાખો છો ? : નવી પેઢીને મુખ્ય પ્રવાહમાં લાવવી છે અને એ માટે એમને વિવિધ
એક્ઝિક્યુટિવ કમિટીમાં સ્થાન આપીને પ્રોત્સાહિત કરીએ છીએ. જો તેઓ તાલીમબદ્ધ અને અનુભવી
હશે, તો ભવિષ્યમાં સંસ્થાની ધૂરા સંભાળી શકશે. એ સાચું છે કે માત્ર અમેરિકા જ નહીં, તમામ સંસ્થામાં નવી પેઢી સમાજ,
ધર્મ અને સેવા સાથે ઓછી જોડાયેલી દેખાય છે, ત્યારે એને કેળવીને સુકાન સોંપવાનું છે. જેથી ધર્મ - સંસ્કૃતિનો વારસો સચવાય.
- એક છત્ર સંગઠન તરીકે કેવી રીતે
સધિયારો આપો છો કે જેથી નાના જૈન સેન્ટરોને પણ એવું લાગે કે તેમને મોટા કેન્દ્રોની
જેમ સાંભળવામાં અને મદદ કરવામાં આવે છે ? : દરેક સંગઠન પર વ્યક્તિગત ધ્યાન આપીને સભ્યપદ લેવા માટે પ્રોત્સાહિત
કરાય છે. અમારા પ્રેસિડેન્ટ અતુલભાઇ શાહ ફોન પર અને જરૂર પડે તો રૂબરૂ જઈ એમની જરૂરિયાતોની
પૂછા કરે છે. પાઠશાળા, બિલ્ડીંગ
અને અન્ય સુવિધાઓમાં ફંડની જરૂરિયાત હોય તો મેળવવામાં મદદ કરાય કે લોન માટે વ્યવસ્થા
ગોઠવાય છે. અમે એવી કમિટી બનાવી રહ્યા છીએ કે આવી જરૂરિયાત ઊભી થાય તો તુરંત ભંડોળ
એકત્ર થઈ શકે. આ હોદ્દેદારો એક મંચ પર એકત્ર
થાય અને એકબીજાની સમસ્યાઓ, અનુભવો, વિચારની આપ લે કરે. જેનાથી નાના સેન્ટરોને પ્રશ્નોના નિરાકરણમાં લાભ મળી શકે.
: ઉત્તર અમેરિકામાં જૈન ડાયાસ્પોરામાં
વર્તમાનમાં તમને કયો મોટો પડકાર લાગે છે
? : જૈન ડાયાસ્પોરા (વિદેશ વસતા જૈન સમાજનો
લોકો) ખાસ કરીને યુવાનોમાં એવો મોટો વર્ગ દેખાય છે,
જેને જૈન સિદ્ધાંતો ગમે છે. પણ, રિવાજો,
નિયમો વધુ કડક લાગે છે. તેઓ વિધિવિધાનથી વિમુખ રહે છે. કોઈ પ્રસંગે ફંડ
એકત્ર કે ચઢાવા બોલાય છે, ત્યારે નિશ્ચિત સમયથી વધુ જોડાયેલા
રહી નથી શકતા. એ વિચારીને પરંપરાઓમાં થોડી છૂટછાટની માગણી આવે છે. - યુકે, આફ્રિકા સહિત અન્ય જૈન સંસ્થાઓ સાથે `જૈના' કેમ સહયોગ સાધી શકે ? : તાજેતરમાં યોજાયેલી અમદાવાદની
કોન્ફરન્સમાં વિવિધ દેશોની જૈન સંસ્થાઓ એકબીજા સાથે કેમ જોડાઈ શકે તેના પર જ મંથન થયું.
60થી વધુ સ્કોલર વક્તાઓની આ પરિષદમાં આ માટે
નવી કમિટી રચવાનો પણ નિર્ધાર દર્શાવાયો. વિશ્વભરમાં વસતો જૈન સમુદાય અને તેના નેતાઓ એક મંચ `ગ્લોબલ જૈના' કેમ
ઊભું થાય એ માટે પ્રયાસ ચાલી રહ્યા છે. - એક તબીબ અને જૈન નેતા તરીકે તમારી આધુનિક મેડિકલ પ્રેક્ટિસમાં
જૈનિઝમના અનેકાન્તવાદના સિદ્ધાંતોને કેમ સાંકળો છો ? : રોજબરોજના
વલણ - વર્તનમાં કોઈનું દિલ ન દુભાઈ જાય અને જો જાણતાં અજાણતાં એવું થાય તો ક્ષમા માગવામાં
વાંધો ન આવવો જોઈએ. એ સિદ્ધાંતોની કાળજી રાખીએ
છીએ. જૈન ધર્મ સિદ્ધાંતોને હવે અમેરિકામાં બહુ પ્રશંસા થાય છે. `ગ્લોબલ પીસ સેન્ટર' શરૂ થઈ રહ્યા છે. જેમાં તમામ ધર્મના લોકો છે. અમેરિકાની શાળાઓમાં કેમ્પ કરી,
શિક્ષકોને સમજ આપીએ છીએ. સાનફ્રાન્સિસકોમાં વર્ચ્યુઅલ યુનિવર્સિટી ઉભી
કરાઈ છે. જેમાં 2200 જેટલા વિદ્યાર્થીઓએ
પ્રવેશ મેળવ્યો છે. અનેકાંતવાદ સિદ્ધાંત એ છે કે તમે કઈ બાબત કેવી રીતે ઉકેલો છો. - વિશ્વનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે ત્યારે આ અંતર દૂર કરવામાં
જૈન સિદ્ધાંતો કેમ મદદરૂપ બની શકે ? : દુનિયામાં અત્યારે અશાંતિ છે, જૈન સિદ્ધાંતો સાંપ્રત અને ઉપયોગી છે. દરેક દેશ પોતાની દ્રષ્ટિથી સાચો છે, દરેકને પોતાની મુશ્કેલીઓ છે. પણ, કયો દેશ કયા દ્રષ્ટિકોણથી
સમસ્યાનો ઉકેલ કાઢે છે એ મહત્વનું છે. એમાં
અનેકાંતવાદનો સિદ્ધાંત જરૂરી છે. - વિધિઓ અને પરંપરાઓ સરળ કરવામાં `જૈના' કેમ મદદરૂપ થઈ શકે ? કે જેથી જૈનિઝમના મૂળ આધ્યાત્મિક
સાર તત્વ પર ધ્યાન જળવાઈ શકે.
: કેટલે સુધી ચુસ્ત રહેવું જોઈએ, એ નક્કી કરવું પડશે. અમેરિકામાં જન્મેલા જૈનને
બધું ના આવડતું હોય. દાખલા તરીકે પ્રતિક્રમણનું
અમે અંગ્રેજીમાં રૂપાંતર કર્યું અને ટૂંકું રૂપ પણ આપ્યું છે. કોઈપણ રીતે નાની મોટી બાંધછોડ કરીને નવી પેઢીને
બધી પરંપરાઓ ભલે નહીં, પણ જૈન સિદ્ધાંતો સાથે જોડવા પર ધ્યાન રાખવું આવશ્યક છે. - પ્રાણી કલ્યાણ વિશે ચિંતિત
યુવાનોમાં વેગન જૈન જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા `જૈના' શું
પગલાં લઈ રહી છે ? : પ્રાણી આહિંસા, જીવદયા એ બધાનો વિષય છે. જૈન જ નહીં,
ભારત આહિંસાની સંસ્કૃતિ અને ઇતિહાસનો દેશ છે. જે સાચવવા અહીં `ઇકો વિગન કમિટી' બનેલી છે.
જેમાં કોઈ પણ પ્રસંગે વિગન શૈલીના ભોજન માટે અલગ વ્યવસ્થાના પ્રયાસ કરાય છે.
અમેરિકામાં શાળાઓમાં પણ વેજ ચળવળ તેજ કરાઈ રહી છે. જેથી આપણાં બાળકો ભૂખ્યા ન રહે.
- ઘણા યુવા જૈનો પરંપરાગત મંદિર
વિધિ વિધાન અને દૈનિક જીવન વચ્ચે અંતર અનુભવે છે. `જૈના' આ અંતરને કેવી રીતે ઘટાડી શકે ? : આપણી પરંપરા, રિવાજોમાં
દેશ-કાળ મુજબ થોડી બાંધછોડ કરવી જરૂરી છે.
રૂઢિચુસ્તતાથી યુવાનો અળગા ન થાય, એ માટે યુવાનોને સ્વીકાર્ય
થાય એવા યોગ્ય ફેરફારો કરવા જરૂરી છે. - યંગ જૈન્સ ઓફ અમેરિકા (વાયજેએ) અને યંગ જૈન્સ પ્રોફેશનલ (વાયજેપી)ની
જૈનાની ભવિષ્યની નેતાગીરીમાં શું ભૂમિકા જુઓ છો ? : વાયજેએ અને
વાયજેપીને અવારનવાર કાર્યક્રમોમાં ચર્ચામાં જોડીને પ્રોત્સાહિત કરીએ છીએ. એક્ઝિક્યુટિવ
કમિટીઓમાં બે સીટ અને મતદાનનો પણ અધિકાર આપવામાં આવે છે. જેથી જવાબદારી શીખે અને નવા
નેતાઓ ઘડાય. લાંબાગાળાના આયોજનથી કામ થઈ રહ્યું છે. ઘણા યુવાનો ઉત્સાહ બતાવે પણ છે.
અમે બોલવાની તક આપીએ છીએ અને તેઓ સૂચનો પણ કરે છે,
અમે સારી બાબત આવકારીયે પણ છીએ.
- કોમ્યુનિટી સેન્ટરોમાં યુવા
જૈન પ્રોફેશનલોને વહીવટી ભૂમિકાઓ ઉઠાવવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરાય છે ? : વહીવટી ભૂમિકાઓની
જવાબદારી સોંપવા પહેલાં યુવાનોને સ્વીકારવા પડે, ઓનરશીપ આપવી પડે. એમને એ સમજ આપવી
પડે કે આ તમારૂં છે, આજે નહીં તો કાલે તમારે સંસ્થાની ધૂરા સંભાળવાની
છે. તમે તૈયાર થાઓ. આ માટે હું ત્રણ `ઙ' પર ભાર મૂકું છું. પ્રિઝર્વ, પ્રોગ્રેસ અને પાસ.
એટલે કે વડીલોએ જે ઊભું કર્યું છે તેને સંરક્ષીત રાખો. પ્રગતિ કરો અને નવી પેઢીને પાસ કરી દો એટલે કે સોંપી દો. આ ઉપરાંત લોસ એન્જેલસમાં
યુવા જૈનો માટે કમિટીમાં ત્રણ હોદા અનામત રખાય છે. એક એવો યુવાન કે જેનો અમેરિકામાં
જન્મ થયો હોય, બીજામાં
ઉંમર 40થી ઓછી હોય અને ત્રીજી એવી વ્યક્તિ કે જેણે
ક્યારેય કોઈ કમિટીમાં ભાગ ન લીધો હોય. આવી રિઝર્વ સીટથી નવી પેઢી આકર્ષી શકીએ છીએ.
- તમે હોસ્પિટલમાં ચીફ ઓફ સ્ટાફ
અને બીજા ઘણા નેતૃત્વ સંભાળ્યા છે. આટલી બધી સમાજસેવામાં ટાઈમ મેનેજમેન્ટનું રહસ્ય
શું છે ? : `જે ગમતું
હોય, એ કામ નથી. એના માટે તમને મહેનત નથી કરવી પડતી.'
ઘરથી દેરાસર દૂર થાય પણ સવાર સાંજ જવાનું જ. સેવા કરવી જ હોય તો તકો
ઘણી છે. ઘણીવાર અમને દિવસમાં 15 કલાકનું કામ થઈ જાય, પણ ગમતા કામમાં થાક ન હોય. - તમારા આધ્યાત્મિક કે નેતૃત્વના ગુરૂ, માર્ગદર્શક કોણ છે ? : ઘણા નામ આપી
શકાય. માતા-પિતા, ગુરૂ,
ધર્મપત્ની રમીલાબેન અને પરિવારનો સતત સહયોગ. સમાજ અને સંઘ મળ્યો એને
યશ છે. પિતાજી એક સમયે દીક્ષા લેવાના હતા. દાદાએ ના પાડી પણ પિતાના ધાર્મિક સંસ્કાર
અમને મળતા રહ્યા. અમે છ ભાઈ અને બે બહેનો વચ્ચે પિતાજી એમ પ્રોત્સાહિત કરતા કે કોણ
વધુ વ્રત કરે છે, એમને ઇનામ ! બીજું, અમેરિકામાં
સાઢુભાઈ મણીભાઈ મહેતાના ઘરે પ્રથમ રહેવા આવ્યો હતો. મેં ધર્મ સંસ્કાર જોયા અને થયું
કે એ કરી શકે તો હું કેમ નહીં. એમના આશિષ મળ્યા. પરિવારમાંથી બે જણે દીક્ષા લીધી હતી.
એના કારણે પણ પ્રોત્સાહન મળ્યું. પિતાએ કહ્યું કે, ઘરનો સારો
બિઝનેસ છે, ત્યારે મેં
કહ્યું, કોઈ રસ્તામાં અકસ્માતવાળી વ્યક્તિ મળશે. તો,
તુરત પૈસાથી નહીં બચાવી શકાય. ત્યાં હું ડોક્ટર હોઈશ તો મદદ કરી શકીશ. એટલે પિતાએ મને તરત સફળતાના આશીર્વાદ આપ્યા. - એવું કયું પુસ્તક છે કે જેના
તરફ મુશ્કેલીના સમયમાં તમે પાછા વળો ? : કોઈ એક પુસ્તક
નથી. મારૂં વાંચન એટલું વિશાળ છે કે કોઈ સારૂં પુસ્તક હાથમાં આવે અને બે દિ'માં પૂરૂં ન કરૂં, ત્યાં
સુધી ચેન ન પડે. નાની પુસ્તિકા પણ વાંચ્યા વિના ન મૂકું. - જૈન સમાજની સેવા દ્વારા તમે
પાછળ કયો વારસો છોડી જવાની અપેક્ષા રાખો છો
? : કોઈનું દિલ ન દુભાવવું, જ્યારે પણ કોઈ દુ:ખી કે મદદ માટે આવે ત્યારે ચૂકતા નહીં,
એટલું જ મહત્વ સમજજો કે જાણે લક્ષ્મી ચાંદલો કરવા આવી હોય. `મેક એરાઉન્ડ યુ હેપી.'તમારી આસપાસના લોકોને સુખી કરો, તમે સુખી થઈ જશો. પાંચ `ઈ' નો સિદ્ધાંત જાળવજો. પહેલો સી કોમ્પ્લીમેન્ટ.
દરેકને સારા કાર્ય માટે બિરદાવો. બાકીના ચાર
`ઈ' ક્યારે ન કરજો. કમ્પ્લેઈન-ફરિયાદ, કમ્પેર -સરખામણી,
ક્રિટીસિઝમ - ટીકા, ક્રાય - રડવું. દરેકને બિરદાવજો
પણ એમના સારા ગુણ ધ્યાને લેજો, અવગુણ નહીં.