• સોમવાર, 02 માર્ચ, 2026

પુન:ગઠન બાદ હવે કચ્છમાં 2013 મતદાન મથક

ભુજ, તા. 1 : ચૂંટણીપંચ દ્વારા હવે એક બૂથમાં કેટલા મતદારો રાખવા તે અંગે મહત્ત્વનો આદેશ જારી કર્યો છે, જેની અમલવારીના ભાગરૂપે કચ્છમાં પણ મતદાન મથકોનું પુન:ગઠન કરાયું છે. જિલ્લાના છ વિધાનસભા મતક્ષેત્રમાં અગાઉ 1848 મતદાન મથક હતાં તે વધીને 2013 થયાં છે. એટલે કે 165 મતદાન મથકનો વધારો થયો છે. સરની કામગીરી હાથ ધરાવાના કારણે કચ્છમાં 1.94 લાખ મતદારનો ઘટાડો થયો છે. વિધાનસભા ચૂંટણી અગાઉ મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરાય તેવી શક્યતાઓ વચ્ચે ચૂંટણી પૂર્વે કચ્છમાં પૂરક મતદાન મથક બનાવાય તેવી સંભાવનાને નકારાતી નથી. 2024ની લોકસભા ચૂંટણીમાં મતદાન મથકોનો ઘટાડો અને બૂથ મર્જ થવાના કારણે સરેરાશ રીતે જિલ્લામાં 16 મથક ઘટયાં હતાં. હાલમાં સરની કામગીરી સાથે હાથ ધરાયેલી મતદાન પુન: ગઠનની કામગીરી દરમિયાન 165 મતદાન મથકનો ચોખ્ખો વધારો થયો છે. સત્તાવાર રીતે મળેલી આંકડાકીય વિગત અનુસાર જિલ્લાના છ વિધાનસભા મતક્ષેત્ર પૈકી સાથી વધુ 38 મતદાન મથક  માંડવી, તો સૌથી ઓછા 19 બૂથ રાપર મત વિસ્તારમાં વધ્યાં છે. કુલ મતદાન મથકની વાત કરીએ, તો જિલ્લામાં સૌથી વધુ 397 મતદાન મથક અબડાસા અને સૌથી ઓછા 312 મતદાન મથક રાપર મતક્ષેત્રમાં છે. નજીકના સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં પણ આટલા મતદાન મથકો પર યોજાય માટેની તૈયારીઓ ચાલી રહી છે.  

Panchang

dd