ગઢશીશા, તા. 13 : વાતાવરણની વિષમતાને કારણે કેસર
કેરીના બોરમાં કણી બંધાય તે પહેલાં જ ખરી ગયા હોવાથી ધારણા કરતાં 40 ટકા જેટલો પાક આવે તેવું ખેડૂતો
દ્વારા જણાવાયું હતું. ગઢશીશા ઉપરાંત દેવપર (ગઢ),
દનણા, મઉં, રત્નાપર,
વડવા, દુજાપર વિ.ગામોમાં પાકને નુકસાની થઈ હોવાનું
ઉમેર્યું હતું. કેસર કેરીનું હબ ગણાતા કચ્છના ગઢશીશા પંથકમાં એક માસ પૂર્વે આમ્રવાટિકાઓ
આંબાના મોરથી લચી પડી હતી અને પાન કરતાં વૃક્ષમાં `બોર'
વધારે લાગ્યા હતા. જેના પગલે ખેડૂતો અને આંબાના વેપારીઓએ સારા પાકની
આશા સેવી હતી, પરંતુ અચાનક વાતાવરણની વિષમતા, વધારે પડતી ઝાકળ અને ઠંડીના કારણે બોર ફૂલ ખરી ગયાં છે અને ધારણા કરતાં 40 ટકા જેટલો પાક આવે તેવી શક્યતા
દર્શાવી હતી. છેલ્લાં ચાર-પાંચ વર્ષથી વાતાવરણની આડઅસરોનો સામનો કરતો ખેડૂતવર્ગ ચિંતિત
બન્યો છે. કેસર કેરીની માવજતમાં મોટો ખર્ચ અને યોગ્ય આવક ન મળતી હોવાથી બાગાયતી પાકમાંથી
રોકડિયા પાક તરફ વળે તેવી ઈચ્છા વ્યક્ત કરાઈ હતી. વૃક્ષ પર રહેલા પાકને બચાવવા યોગ્ય
પગલાં લેવાયાં છે. 15-20 દિવસમાં તેનું
સારું પરિણામ મળે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. ગઢશીશા પંથકના કેસર કેરીના વાવેતર કરનારા
ખેડૂતો બટુકસિંહ જાડેજા, ભગવતસિંહ જાડેજા,
નારાણભાઈ ચૌહાણ, મહેન્દ્રભાઈ રામાણી, તુલસીભાઈ ભીમાણી, ડાહ્યાલાલભાઈ, અનિલભાઈ નાગડા, સુનીલભાઈ ચોથાણી, ગોવિંદભાઈ લીંબાણી, કેશુભાઈ પારસિયા, પરષોત્તમ વાસાણી, રાણુભા સોઢા, હાજી સુલેમાનભાઈ મેમણ, હાજી અબ્ધ્રેમાન ખલીફા,
રાજુભાઈ છાભૈયા, અરવિંદભાઈ વાસાણી, વિનુભાઈ રંગાણી, ચંદુલાલ ઉકાણી, ચંદુલાલ વાસાણી, હાજી ગનીભાઈ મેમણ, હાજી આમદ ખલીફા, શાંતિલાલ રૂડાણી, નવિનભાઈ માવાણી, સુરેશભાઈ ભગત, સોહિતભાઈ દેઢિયા, રાજાભાઈ ઠક્કર, વિમલ નિસર, અબ્દુલભાઈ રાયમા, કીર્તિભાઈ
ઠક્કર, પરેશ ચૌહાણ, હરિભાઈ રામાણી,
ચંદુલાલ વાડિયા, વસંતભાઈ શાહ વિ.એ પોતાના મતો રજૂ
કર્યા હતા.