કોડાય (તા. માંડવી), તા. 7 : વિશ્વ મહિલા
દિવસ નિમિત્તે મહિલાઓને સમાજમાં તેમનો પૂર્ણ હક્ક મળે તે માટે શિક્ષિત બની કૌટુંબિક
ભાવનાઓ કેળવવા અને સજાગ થવાની વાત બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિપંચ, માંડવીના પ્રમુખ સુમિત્રાબેન નારાણજીભાઈ મચ્છરે
કરી હતી. સમાજનું નેતૃત્વ મહિલાઓ કરે એ બહુ ઓછું બનતું હોય છે, ત્યારે છેલ્લાં ત્રણ વર્ષથી જ્ઞાતિપંચના પ્રમુખ પદે રહી સુમિત્રાબેન મચ્છર
જ્ઞાતિની મહિલાઓને સ્વાસ્થ્ય માટે જાગૃત થવા અને સમાજ તેમજ જાહેર જીવનની પરિપક્વતા
કેળવવા શિક્ષણ જરૂરી હોતાં દીકરીઓ શિક્ષિત બને તે દિશામાં તથા ભારતીય સંસ્કૃતિ અનુકૂળ
કૌટુંબિક ભાવનાઓ કેળવાય તે માટે સક્રિય છે. બી.કોમ., એલએલબીનો
અભ્યાસ કરી રાષ્ટ્રીય સેવિકા સમિતિ સાથે જોડાઈ રાષ્ટ્રીય ભાવના અને સમાજસેવાના પથ પર
ચાલતા સુમિત્રાબેનને તેમના પિતા અને જૂના જનસંઘી સ્વ. નારાણજી મચ્છર (પૂર્વ નગરપતિ,
માંડવી) પાસેથી સેવાનો વારસો મળ્યો છે. મહિલાઓને પણ સમાજ તેમજ અન્ય ક્ષેત્રોમાં
તક મળે તો પુરુષથી વિશેષ નેતૃત્વ મહિલાઓ કરી શકે છે. ઘર-પરિવાર અને સામાજિક જવાબદારી
સાથે મહિલાઓ સક્ષમ નેતૃત્વ માટે પૂરતી છે, તેવું સુમિત્રાબેને
સાબિત કર્યું છે. સમાજસેવા કરતાં કેટલાક પડકારો પણ આવતા હોય છે, પણ સમાજસેવા કરવાનું ધ્યેય તેમને પ્રેરિત કરે છે. જ્ઞાતિનાં ઉત્થાન માટે સક્રિય
છે.