માતાના મઢ, તા.
30 : દેશ-દેશાવરમાં
વસતો કચ્છી હોય કે કચ્છ આવતો પર્યટક હોય, તે જ્યારે કચ્છમાં આવે ત્યારે માતાજીના દરબાર
માતાના મઢે માથું ટેકવવા અચૂક આવે છે, તેથી પ્રવાસન ક્ષેત્રે માતાના મઢને કચ્છનું કેન્દ્રબિંદુ
માનવામાં આવે છે. દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન કે નાતાલની રજાઓ હોય, પ્રવાસન
ક્ષેત્રે કચ્છડો બારેમાસ હોય એવું દેખાઇ રહ્યું છે. હાડ થીજાવતી ઠંડીમાં કચ્છના ગામડાંઓમાં
સૂર્યાસ્ત બાદ કર્ફ્યૂ જેવો માહોલ છે. તો બીજીબાજુ પ્રવાસન સ્થળો તેમજ માતાના મઢ, ના.
સરોવર, અંબેધામ (ગોધરા), મોગલધામ (કબરાઉ) સહિતના ધાર્મિક સ્થાનકો ઉપર રાત્રિના 12 વાગ્યા
સુધી પ્રવાસીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મઢ જાગીર ટ્રસ્ટની મફત વ્યવસ્થા, ક્ષત્રિય
સમાજ, પાટીદાર સમાજ, લોહાણાવાડીની વાજબી ભાવે ઉતારાની સેવાના કારણે હજારો પ્રવાસીઓ
રાત્રિ રોકાણ મા. મઢમાં કરે છે. છેલ્લા પાંચ દિવસથી અહીંની તમામ વ્યવસ્થા ટૂંકી પડી
રહી છે. ટ્રસ્ટ, સમાજવાડી, હોટેલોમાં અંદાજે 450 જેટલા રૂમ તેમજ 30થી વધુ હોલ હાઉસફુલ
જોવા મળી રહ્યા છે. સફેદ રણથી સાંતલપુર વાયા હાજીપીર થઇ?પ્રવાસીઓ ઘડુલી આવી રહ્યા છે.
રાતવાસો કરવા ત્યાંથી તેઓ માતાના મઢ, લખપત ગુરુદ્વારા તેમજ ના. સરોવર વાટ પકડી રહ્યા
છે. લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં ગેસ્ટહાઉસ બની ચૂક્યા છે, ત્યાં પણ અનેક પ્રવાસી
રોકાઇ રહ્યા છે, તાલુકાના હાઇવે માર્ગ પર પ્રવાસીઓની અવરજવરમાં વધારો થયો છે તેવાં
દૃશ્યો જોવા મળે છે. ત્રિવિક્રમરાય, કોટેશ્વર મહાદેવ તથા આશાપુરા મંદિરે દર્શનાર્થીઓની
કતાર જોવા મળી રહી છે. બંને યાત્રાધામમાં અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદનો લાભ ભાવિક પર્યટકો
લઇ રહ્યા છે. પેટ્રોલપંપ, પંચર પટ્ટીથી માંડી હોટેલો, રેસ્ટોરન્ટ, હાઇવે ધાબા સહિતના
વેપાર-ધંધામાં તેજી દેખાઇ રહી છે. મેહુલસિંહ (રાજકોટ), ઉર્વશીબેન (પોરબંદર), શાંતાબેન
(નવસારી), પ્રભાશંકર (મુંબઇ), આવૃત્તિબેન (અમદાવાદ), મોહિતભાઇ (રાયપુર) સહિતના અનેક
પર્યટકો જણાવી રહ્યા છે કે, પૈસા વસૂલ કરી દે તેવું સુંદર કચ્છ છે... સફેદ રણ કુદરતનો
અદ્ભુત નજારો છે, માંડવી બીચ પણ સુંદર છે, પણ સ્વચ્છતાનો?થોડો અભાવ છે, જાહેર શૌચાલયોમાં
મોટાભાગના સ્થળો ઉપર પુષ્કળ ગંદકી છે. થોડી સ્વચ્છતા બાબતે તકેદારી રાખવી જરૂરી છે
તેવો મત તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે વધુમાં તેમણે જણાવ્યું કે, પર્યટકોએ જીવનમાં
કચ્છનો પ્રવાસ જરૂર કરવો જોઇએ. ખૂબ જ રમણીય સ્થળો કચ્છમાં આવેલાં છે. અહીંના કચ્છી
લોકો તેમજ કચ્છી ભાષા ખૂબ જ મીઠા છે. કચ્છના ધાર્મિક સ્થળો ઉપર સુવિધાઓ પણ સારી છે.
કચ્છને ગાઇડ કરી શકે તેવા ગાઇડોની સંખ્યા ઓછી છે. માતાના મઢમાં આશાપુરાનાં દર્શન કરવાથી
આખા પ્રવાસનો થાક ઊતરી જાય છે એવો પણ ભાવ વ્યક્ત કર્યો હતો.