• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

સમાજમાં સફાઇ કામદારોનું સ્થાન મહત્ત્વનું

ભુજ, તા. 30 : સામાજિક ન્યાય અને અધિકાર મંત્રાલય હેઠળના રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ અંજના પંવાર કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હોવાથી સફાઈ કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી. સફાઈ કામદારો અને વિવિધ એજન્સીઓના કોન્ટ્રોક્ટર્સ હાજર રહ્યા હતા. બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, સફાઈ કામદારોના પુનર્વસન સાથે તેમનો શૈક્ષણિક, આર્થિક અને સામાજિક ઉદ્ધાર થાય તે ખૂબ જ મહત્ત્વનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સફાઈ કામદારો પ્રત્યેની સંવેદનશીલતા અને સફાઈ કામદારોને સમાજની મુખ્યધારા સાથે જોડવાના વડાપ્રધાનના પ્રયાસોને ઉપાધ્યક્ષે બિરદાવ્યા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સફાઈ કામદારોને પોતાના હક્કો પ્રાપ્ત થાય, સમાજમાં સફાઈ કામદારોનું સ્થાન જળવાઈ રહે, સફાઈ કામદારોના કામને બિરદાવવામાં આવે તે દિશામાં કામગીરી ખૂબ જ મહત્ત્વની છે. સફાઈ કર્મચારી મંડળોના પ્રશ્નો અને સફાઈ કામદારોની વ્યક્તિગત રજૂઆતોને સાંભળી હતી. તેમણે સફાઈ કર્મચારીઓના પગાર, ભથ્થાં, બોનસ, નિયમિત હેલ્થ ચેકઅપ, શિક્ષણ, આવાસ, લઘુતમ વેતન, પેન્શન, વારસદાર રહેમરાહે નોકરી, પીએફ, આશ્રિતોનું પુનર્વસન, કોન્ટ્રાક્ટ સિસ્ટમ, સફાઈના સ્થળે ચેન્જિંગ રૂમની સુવિધા, વિવિધ સરકારી યોજનાઓનો સફાઈ કામદારોને લાભ, સફાઈ માટેના જરૂરી સેફ્ટી સાધનો અને પોશાક, સફાઈ કામદારો માટે કોમ્યુનિટી સેન્ટરનું નિર્માણ વગેરે બાબતોની રજૂઆતોને સાંભળીને સંબંધિત અધિકારીઓને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા તેમજ એક્શન ટેકન રિપોર્ટ આયોગને મોકલી આપવા જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ વહીવટી તંત્ર અને નગરપાલિકાના સંબંધિત અધિકારીઓને રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્યક્ષ શ્રીમતી પંવારની સૂચના મુજબ ત્વરિત કામગીરી કરવા માટે જણાવ્યું હતું. બેઠકમાં અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd