• શુક્રવાર, 03 જાન્યુઆરી, 2025

માલધારી સમાજ પ્રત્યે તંત્રનું ઉદાસી વલણ !

ભુજ, તા. 30 : ભારત દેશમાં સૌથી વધુ મલધારીઓની વસ્તી ધરાવતા અને દૂધનું ઉત્પાદન કરતા ગુજરાત રાજ્યના માલધારી વર્ગની જ પાયાની માંગો સામે તંત્રએ આંખ આડા કાન કર્યા છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2006માં આદિજાતિ અને અન્ય પરંપરાગત વન નિવાસીઓ માટે એક ઐતિહાસિક કાયદો વન અધિકારોની માન્યતા ધારો-વન અધિકાર અધિનિયમ ઘડવામાં આવ્યો જે ગુજરાત રાજ્યમાં 2012થી બિનઅનુસૂચિત વિસ્તારોમાં અમલમાં છે, પરંતુ શરૂઆતથી જ આ કાયદાના અમલીકરણમાં માલધારી વર્ગ સાથે સાવકું વલણ જ રાખવામાં આવ્યું છે. કચ્છના કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન તેમજ ઘેંટા-બકરા માલધારી સંગઠન દ્વારા આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર તેમજ કચ્છ જિલ્લા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કચ્છ જિલ્લાની વિવિધ વન અધિકાર સમિતિઓ દ્વારા રજૂ કરવામાં આવેલ કુલ 90 જેટલા સામૂહિક દાવાઓ અંગે કોઈ જ પગલાંઓ લેવામાં આવ્યા નથી. જિલ્લા તંત્ર તથા અન્ય સંબંધિત સરકારી કચેરીઓ દ્વારા આ નિયમ જિલ્લામાં લાગુ કરવા નનૈયો કરાય છે. આ સાથે જિલ્લાના માલધારીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. વારંવારના આવા અન્યાયી વલણ સામે માલધારી સંગઠનો દ્વારા આદિજાતિ મંત્રાલય-ભારત સરકારને પત્ર લખ્યો હતો જેના પ્રતિઉત્તરમાં મંત્રાલયે ખૂબ સ્પષ્ટરૂપે મલધારીઓને તેમના ચરિયાણના અધિકારો અપાવવા માટેના સૂચનો આપ્યા છે. આ સંદર્ભે કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન તેમજ ઘેંટા-બકરા માલધારી સંગઠનના પ્રતિનિધિઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું, પરંતુ મંત્રાલય તરફથી આવેલ પત્ર આપવા છતાં હમેશાની જેમ જિલ્લા તંત્ર દ્વારા મલધારીઓને અસંતોષ અને નિરાશાજનક જવાબ અપાયો હતો. જ્યારે દેશના બીજા રાજ્યોમાં મલધારીઓને સામૂહિક અધિકારો આપવામાં આવ્યા છે અને વનનું મલધારીઓ દ્વારા ખૂબ સારી રીતે વ્યવસ્થાપન પણ કરવામાં આવે છે તો ગુજરાત રાજ્યના મલધારીઓ સાથે આ સાવકું વલણ શા માટે? મલધારીઓ સરકાર દ્વારા કરવામાં આવી રહેલી આ કનડગતથી ખૂબ થાકી ચૂક્યા છે અને તમામ સ્તરે પ્રયત્નો કર્યા બાદ કોઈ સફળતા ન મળતા અંતે પશુ વહેચી અને બીજા વ્યવસાય તરફ વળે છે કાંતો પોતાના પશુઓ લઈને બીજા રાજ્યમાં સ્થળાંતર કરતાં થઈ રહ્યા છે. શું આવા અધિકારીઓ પશુપાલકો અને તેમના અખૂટ યોગદાન માટે `રક્ષક જ ભક્ષક' બની રહ્યો હોવાની લાગણી ધરાવતો માલધારી વર્ગ આ પ્રશ્ને યોગ્ય નિર્ણય આવે તેવું ઇચ્છી રહ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd