• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

નલિયામાં લઘુતમ પારો ગગડી એકલ આંક નજીક

ભુજ, તા. 8 : દેશના પહાડી રાજ્યોમાં બરફવર્ષાની અસર તળે કચ્છ સહિત રાજ્યમાં પવનની દિશા બદલાતાં ઠંડીની ચમક પોતાની પકડ જમાવી રહી છે. કચ્છી કાશ્મીર એવાં નલિયામાં લઘુતમ પારો ગગડીને એકલ આંકની તદ્દન નજીક એવા 10.8 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. નલિયાએ રાજ્યના શીતમથકમાં મોખરાનું સ્થાન જાળવી રાખવા સાથે વર્તમાન સિઝનના સૌથી ઠંડા દિવસની અનુભૂતિ થઈ હતી. તો લઘુતમ તાપમાન વધુ બેથી ત્રણ ડિગ્રી ગગડી એકલ આંકમાં પહોંચે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જો કે, હજુ મહત્તમ પારો 30-31 ડિગ્રી આસપાસ અટકેલો રહેતાં બપોરના હૂંફાળું વાતાવરણ યથાવત રહ્યું હતું. સાંજ ઢળતાં ઠંડીએ પોતાની અસર દેખાડવાનું શરૂ કર્યું હતું. નલિયામાં 10.8 ડિગ્રી લઘુતમ તાપમાને અબડાસા સહિત સમગ્ર પશ્ચિમ કચ્છમાં જનજીવન પર શિયાળુ અસર સ્પષ્ટ વર્તાતી જોવા મળી હતી. કંડલા એરપોર્ટમાં એક ડિગ્રીના ઘટાડા સાથે પારો 14.6 ડિગ્રીએ પહોંચતા અંજાર-ગાંધીધામ વિસ્તારમાં પણ ઠંડીનો ચમકારો ઉલ્લેખનીય રીતે અનુભવાયો હતો. જિલ્લા મથક ભુજમાં દોઢ ડિગ્રીના ઘટાડા સાથે પારો 16.2 ડિગ્રીએ પહોંચ્યો હતો. જિલ્લા મથકે ખાસ કરીને વહેલી સવાર અને મોડી સાંજ પછી ગરમ કપડાં પહેરવા પડે તેવી ઠંડીનો અનુભવ થયો હતો.  હવામાન વિભાગે પારો બેથી ત્રણ ડિગ્રી ગગડવા સાથે ઠંડીનું પ્રમાણ જળવાયેલું રહે તેવી આગાહી કરી છે. જો કે, કચ્છની તાસીર અનુસારની ગાત્રો ગાળતી ઠંડી હજુ અનુભવાઈ રહી નથી, પણ હવે કોલ્ડવેવ એટલે કે, શીત મોજાંનો એકાદ રાઉન્ડ આવે તેવી સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd