• શુક્રવાર, 20 માર્ચ, 2026

ગાંધીધામ શહેર ભાજપ મંત્રી આપઘાત કેસમાં વિશેષ તપાસ ટીમ બનાવવા માંગ

ગાંધીધામ, તા. 19 : આદિપુરના યુવાનના આપઘાત પ્રકરણે સીટની રચના, તમામ આરોપીઓની ધરપકડ તથા પરિવારને સુરક્ષા આપવા કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા માંગ કરવામાં આવી હતી. ગાંધીધામમાં સામાજિક, રાજકીય ક્ષેત્રે સક્રિય યુવા આગેવાન દિપેશ ત્રિપાઠી આત્મહત્યા પ્રકરણે આરોપીઓ સામે કડક, તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે ગૃહમંત્રીને આવેદનપત્ર પોલીસવડા મારફતે આપવામાં આવ્યું હતું. આ બનાવના મૂળમાં ગેરકાયદે વ્યાજખોરીનું ગંભીર વિષચક્ર છે. સ્યુસાઈડ નોટમાં 18 લોકોનાં નામ સાથે સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઊંચા વ્યાજે પૈસા આપી સતત માનસિક ત્રાસ આપ્યો હતો. જેના કારણે આ યુવાન આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો. હાલમાં ચાર આરોપી ઝડપાયા છે. આઠ હજુ પોલીસ પકડથી દૂર છે, જેને લઈને બ્રહ્મસમાજે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તમામ આરોપીઓ વિરુદ્ધ સહઅપરાધ હેઠળ ગુનો દાખલ કરી તાત્કાલિક ધરપકડની માંગ કરી સમગ્ર બનાવની નિષ્પક્ષ અને ઝડપી તપાસ થાય તે માટે જરૂર જણાય તો સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (સીટ)ની રચના કરવાની માંગ કરાઈ હતી. તેમજ મૃતકના પરિવારને વ્યાજખોરો, તેમના મળતિયાઓ દ્વારા કોઈ પણ પ્રકારનાં દબાણ, ધમકી કે હેરાનગતિ ન થાય તે માટે પોલીસ રક્ષણ પૂરું પાડવાની માંગ કરવામાં આવી હતી. કચ્છમાં વ્યાજવટાવનો રાફડો ફાટયો છે ત્યારે આવા લોકો પરવાનો ધરાવે છે કે નહીં, વ્યાજદર નીતિ-નિયમો પ્રમાણે છે કે નહીં તે માટે વિશેષ ઝુંબેશ ચલાવી અનઅધિકૃત ધંધા બંધ કરાવવા માંગ કરાઈ હતી. જેના કારણે કોઈના લાડકવાયાને પોતાના જીવની આહુતિ ન આપવી પડે. આ વેળાએ કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પૂર્વ વિભાગના પ્રમુખ હિરેનભાઈ ખાંડેકા, પશ્ચિમ વિભાગના પ્રમુખ દિપેશભાઈ જોશી, હોદ્દેદારો, તાલુકા પ્રમુખો, કારોબારી, મહિલા મંડળ કચ્છ પ્રમુખ, કારોબારી, વિવિધ સમવાયના હોદ્દેદારો, મંડળો વગેરે અગ્રણીઓએ ઉપસ્થિત રહી આરોપીઓને કડક સજાની માંગ કરી હતી. 

Panchang

dd