માંડવી, તા. 19 : માંડવી શહેર પોલીસ લાઈન ખાતે
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂા. 781. 83 લાખના ખર્ચે નિર્મિત થનાર પોલીસ આવાસોનું નાણા અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા,
ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ
દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી પટેલે જણાવ્યું
હતું કે, વડાપ્રધાન તથા ગૃહમંત્રીના નેતૃત્વમાં ભારતના
સીમાડા સુરક્ષિત છે. સેવા, સુરક્ષા અને શાંતિ વડાપ્રધાનનું ધ્યેય
છે જે પોલીસ વિભાગનું પણ સૂત્ર છે. પોલીસ વિભાગ જ્યારે 24 કલાક નાગરિકોની સેવા ફરજ બજાવતો
હોય છે ત્યારે તેમની તથા તેમના પરિવારની સુખાકારીની ચિંતા કરવી રાજ્ય સરકારની ફરજ છે.
જેના અનુસંધાને જ પાંચ વર્ષમાં રાજ્યભરમાં નવા 20 હજારથી વધુ પોલીસ આવાસોનું નિમાર્ણ કરવાની કટિબદ્ધતા વ્યક્ત
કરાઇ છે. આ માટે માતબર રકમ ફાળવીને કામગીરી શરૂ કરાઇ છે, તે અંતર્ગત જ માંડવી ખાતે પણ નિમાર્ણ થનાર આવાસોથી
સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનું મનોબળ વધુ મજબૂત થશે. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું
કે, પોલીસ સમાજની સુરક્ષા અને સેવા માટે દિવસ-રાત
ફરજ પર હોય છે ત્યારે તેમની સુખાકારી માટે ચિંતિત રાજ્ય સરકાર મુંદરા બાદ માંડવી ખાતે
પણ આવાસ નિમાર્ણનું કાર્ય કરી રહી છે. સુવિધાસભર આવાસની ભેટ મળતાં સરહદી આ વિસ્તારમાં
ફરજ બજાવતા પોલીસ જવાનો પરિવારની ચિંતાથી મુક્ત થઇને કામગીરી બજાવી શકશે. આઇજીપી ચિરાગ
કોરડિયાએ જણાવ્યું હતું, 27 પોલીસ આવાસના નિર્માણથી પોલીસ
પરિવારની સુખાકારીમાં વધારો થશે, જેના
પરીણામ સ્વરૂપ કોસ્ટલ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોને વધુ કુશળતા મળશે. પ્રજાસત્તાક
પર્વ અનુસંધાને દિલ્હી ખાતે ભાગ લેનાર એનસીસી કેડેટસ જીનલબા જાડેજાનું રાજ્યમંત્રીના
હસ્તે ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આભારવિધિ કરતાં પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ રાજ્ય સરકારનો ખાસ આભાર વ્યક્ત કર્યો
હતો. મુંદરા એએસપી ગૌતમ વિવેકાનંદન,
મામલતદાર પ્રદ્યુમનાસિંહ જેઠવા, આગેવાનો પાલિકા પૂર્વ પ્રમુખ હરેશ વિંઝોડા,પૂર્વ ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સેંઘાણી, સામંતભાઈ ગઢવી,દર્શનભાઈ ગોસ્વામી, સુરેશભાઈ સંઘાર, કેશવજીભાઇ રોશિયા હાજર રહ્યા હતા. મહેમાનોનું પોલીસ અધિકારીઓ ચેતક બારોટ,
એમ. કે. પરમાર, વી.વી. ભોલા, રામભાઇ ગઢવી, કિરણ ચૌધરી, રામસિંહજી,
મહેન્દ્ર દવે, શિલ્પાબેને સન્માન કર્યું હતું.
મુકેશ સોલંકી, દીપક સોની, વિશાલ ઠક્કર,
નરેન સોની, નેહાબેન ગઢવી વગેરે હાજર રહ્યા હતા.
વિશ્રામ ગઢવીએ સંચાલન કર્યું હતું.