ગાંધીધામ, તા. 19 : અંજાર તાલુકાના ટપ્પર ડેમમાં
કોઇ કારણે પડી જતાં મૂળ પશ્ચિમ બંગાળના માન્ટોસ લક્ષ્મણચંદ્ર મંડી (ઉ.વ. 34)નું મોત થયું હતું. બીજીબાજુ
મીઠીરોહર ખાતે વિષ્ણુ લાલચંદ વૈષ્ણવ (ઉ.વ. 24)એ ગળેફાંસો ખાઇ જીવ દીધો હતો. ટપ્પર નજીક આવેલી મેઘા એન્જિનીયરિંગ
કંપનીમાં એક-બે દિવસ પહેલાં પશ્ચિમ બંગાળથી કામ કરવા આવેલા માન્ટોસ નામના યુવાનનું
મોત થયું હતું. એકાદ દિવસ કામ કર્યા બાદ આ યુવાન તા. 16/3થી ગુમ થયો હતો. બાદમાં આજે
ટપ્પર ડેમમાં તેની તરતી લાશ મળી આવી હતી. ભચાઉ અગ્નિશમન દળને તેની જાણ કરાતાં દળના
કર્મચારીઓએ આ યુવાનની લાશ બહાર કાઢી હતી. તેનું પી.એમ. અહીં થાય તેમ ન હોવાથી અન્યત્ર
પી.એમ. માટે લાશ લઇ જવાઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું. બીજીબાજુ મીઠીરોહર ખાતે અંબિકા
ટ્રાન્સપોર્ટ ઓફિસ નંબર પાંચમાં રહેતા અને કામ કરતા વિષ્ણુ વૈષ્ણવે આપઘાત કરી લીધો
હતો. આ યુવાને બ્લોક-બી એ. વી. જોશીની બાજુમાં ઓફિસ નંબર-8માં પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઇ અગમ્ય
કારણોસર પોતાનો જીવ દીધો હતો.