ભુજ, તા. 19 : કવેળાના વરસાદ સાથે તોફાની
પવનનાં રૂપમાં કુદરતની કારમી થપાટ ખાતા કેરી, તરબૂચ, સક્કરટેટી જેવા બાગાયતી પાકોની બાજી બગડી છે.
આ વખતે ફળ સારાં બેઠાં હોવાથી ખુશ હતા, તેવા ખેડૂતનાં મોઢે આવેલો
કોળિયો કુદરતે છીનવી લીધો હોય, તેવી વિકટ સ્થિતિ સર્જાઇ છે. જો
કે, ખારેક, કેળાં, પપૈયાને પાણીનું પોષણ સમયસર મળ્યું હોવાથી આવા પાકોને ફાયદો થશે. ઘઉં,
એરંડા, રાયડો જેવા રોકડિયા પાકોની સાથો સાથ ટમેટા
જેવી લીલોતરીને નુકસાન થયું હોવાનું પીઢ કિસાન અગ્રણી હરેશભાઇ મોરારજી ઠક્કરે જણાવ્યું
હતું. ભારતીય કિસાન સંઘના કન્વીનર શિવજીભાઇ બરાડિયાએ કહ્યું હતું કે, ઘઉં, ઇસબગુલ, સકાલાના પાકને ફટકો
પડયો છે. અંજાર શહેર અને તાલુકામાં ભારે પવન કમોસમી વરસાદથી ખેતીવાડીને ભારે નુકસાન
થયું છે. શહેરમાં ગતરાત્રિના ભારે પવન સાથે
ધૂળની ડમરીઓ ઊડી હતી અને વરસાદી ઝાપટાં પડયાં હતાં. આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોરે ત્રણ વાગ્યા બાદ જોરદાર
પવન સાથે વરસાદી ઝાપટાંથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ગતરાત્રિના અને આજે બપોર બાદ પવન, ધૂળની ડમરી
ઊડી હતી. પવન સાથે વરસાદ થતાં ખાસ કરીને ઘઉં,
જીરૂંના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પવનના કારણે કેટલાક વીજ થાંભલા નમી જતાં વીજ પુરવઠો
બંધ રહ્યો હતો. જ્યાં જીરૂં અને શિયાળુ પાક મોટા પ્રમાણમાં થાય છે તેવા જીરૂંના કોઠાર
કહેવાતા પ્રાંથળ અને ખડીરમાં પણ કમોસમી તોફાની વરસાદથી નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું
હતું. અલબત્ત જીરૂં તો મોટેભાગે લેવાઈ ગયું હતું. અમરાપર વિસ્તારમાં ઈસબગુલ અને એરંડા
જેવા પાકોને નુકસાન થવા સાથે અનેક ગામોમાં ભારે પવનથી પતરાં ઊડી જવાના બનાવો બન્યા
હોવાનું ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું, તો પ્રાંથળના
બેલા પંથકમાં વીજપોલ ધરાશાયી થઈ જવાથી આજે સાંજ સુધી લાઈટ વિના રહેવાની ફરજ પડી હોવાનું
બેલાના ધારાશાસ્ત્રી ભૂપતાસિંહ વાઘેલાએ જણાવ્યું હતું. ખડીરમાં
ગતરાત્રિથી દિવસભર પવન સાથે એકાદ ઈંચ
વરસાદ પડયો હતો, જેથી સમગ્ર ખડીર પંથકમાં ઈસબગુલ અને એરંડાના
પાકને ભારે નુકસાન થયું હોવાનું ઘનશ્યામ મારાજે જણાવ્યું હતું. વધુ પવનના કારણે કેટલાક
ઘરોનાં પતરાંઓ પણ ઊડી જતાં મજૂર વર્ગને ભારે હાલાકી વેઠવી પડી હતી તેમજ ઘરવખરી પલડી
જતાં ખેડૂતોને પડયા ઉપર પાટુ જેવી સ્થિતિ થઈ
હોવાનું પ્રતિનિધિ રામજી મેરિયાએ જણાવ્યું હતું.