• શુક્રવાર, 20 માર્ચ, 2026

`તારીખ પે તારીખ'નો દોર ખતમ થશે

નવી દિલ્હી, તા. 19 : હવે અદાલતોમાં વારંવાર તારીખ લેવાની આદત ઉપર સખત લગામ લાગવાની છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી ટાળવાના નિયમોને આકરા બનાવતા જણાવ્યું છે કે હવે `તારીખ પે તારીખ'નો દોર લગભગ ખતમ થઈ જશે અને માત્ર ખુબ જ જરૂરી સ્થિતિમાં સુનાવણી ટાળવામાં આવશે. કોર્ટ તરફથી 18મી માર્ચના જારી કરવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે પહેલાના 29 નવેમ્બર 2025 અને બીજી ડિસેમ્બર 2025ના નિર્દેશોની જગ્યાએ નવો નિયમ  લાગુ થશે. જેના હેઠળ અલગ અલગ પ્રકારના મામલા માટે અલગ નિયમ નક્કી કરવામાં આવ્યા છે. સૌથી સખત  કડક નિર્ણય રેગ્યુલર મામલાને લઈને છે. જેમાં કોઈપણ સ્થિતિમાં તારીખ ટાળવામાં નહીં આવે. એટલે કે કેસ લિસ્ટેડ છે તો કોઈપણ બહાના વિના સુનાવણી કરવામાં આવશે.  જ્યારે નવા અને આફ્ટર નોટિસ મામલામાં પણ છૂટ સીમિત કરવામાં આવી છે. જો કોઈ પક્ષને સુનાવણી ટાળવી છે તો પહેલાતી જ બીજી પાર્ટીને તેની જાણકારી આપવી પડશે અને સાથે પુરાવો આપવો પડશે. આ પ્રક્રિયા સુનાવણીના એક દિવસ પહેલા સવારે 11 વાગ્યા સુધીમાં પૂરી કરવી પડશે. આટલું જ નહીં બીજી પાર્ટીને પણ વાંધો ઉઠાવવાની તક મળશે. બપોરે 12 વાગ્યા સુધીમાં ઈમેઈલ મારફતે પોતાનો વાંધો નોંધાવી શકાશે. જેને કોર્ટ સમક્ષ રાખવવામાં આવશે. કોર્ટે અનિવાર્ય કર્યું છે કે એડજર્નમેન્ટ માગનારા પક્ષે યોગ્ય કારણ આપવું પડશે અને આગાઉ કેટલી વખત તારીખ  લેવામાં આવી છે તે જણાવવું પડશે. કોઈ કારણ વિના હવે સુનાવણી ટાળવી સંભવ બનશે નહીં. સર્ક્યૂલર અનુસાર માત્ર અસાધારણ સ્થિતિમાં જ તારીખ મળશે. જેમ કે પરિવારમાં કોઈનું નિધન, ગંભીર બીમારી અથવા કોઈ વાસ્તવિક કારણ હોય કે જેને કોર્ટ સંતોષજનક માની શકે. આ ઉપરાંત વારંવાર તારીખ લેવા ઉપર રોક મુકવામાં આવી છે. ફ્રેશ મામલામાં એડજર્નમેન્ટની અરજી માત્ર એક જ વખત આપી કાશે. સતત બે વખત સુનાવણી ટાળવાની મંજૂરી મળશે નહીં. આ પગલું ન્યાય પ્રક્રિયાને ઝડપી બનાવવાની દિશામાં મહત્વનો બદલાવ માનવામાં આવે છે. જેનાથી પેન્ડિંગ કેસનો બોજ ઘટાડવામાં મદદ મળી શકે છે.  

Panchang

dd