દયાપર (તા. લખપત), તા. 19 : છેવાડાના
લખપત તાલુકામાં રાત્રે એક વાગ્યે તેમજ આજે બપોરે ભારે પવન ફૂંકાતાં લોકોમાં ભય ફેલાયો
હતો. નવીનતાની વાત એ છે કે, ગત વર્ષે હવામાન
ખાતાની આગાહીએ સરકારની જોરદાર તૈયારી વચ્ચે જે વાવાઝોડું ન આવ્યું તે વગર આગાહીએ આવી
જતાં લોકોમાં દહેશત ફેલાવી હતી. મધરાતે અચાનક પવનનું જોર એટલું વધ્યું હતું કે,
ભરનીંદરમાં લોકો જાગી ગયા હતા. દરવાજો ખોલતાં જ મોઢાં ધૂળથી ભરાઇ જાય
તેવો સૂસવાટા કરતો પવન જોઇ વાવાઝોડાંની યાદી અપાવી ગયો. પ્રસિદ્ધ તીર્થધામ કોટેશ્વર
દરિયા કિનારે માછીમારોની 4 બોટ દરિયામાં
ડૂબી હતી. જો કે કિનારે લાંગરેલી હોતાં તેને પાછી સીધી કરી દેવાઇ હતી, પણ બોટમાં નુકસાન થયું હોવાનું લોકોએ જણાવ્યું
હતું. ગામના અગ્રણી યોગેન્દ્રસિંહ રાણાએ મત્સ્યોદ્યોગ મંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું
હતું કે, પાંચ બોટને એટલું નુકસાન થયું છે કે તેનો ઉપયોગ હવે
કરી શકાશે નહીં, જ્યારે અન્ય 30 બોટોને 50 ટકા જેટલું નુકસાન થતાં આજીવિકા
પર અસર થઇ છે. દરિયાકાંઠે તોફાની મોજામાં નુકસાનગ્રસ્ત બોટ માટે માછીમારોને વળતરની
માંગ કરી છે. બીજીબાજુ સિયોતમાં પણ એક કેબિન ઊલટી પડી ગઇ હોવાનું અને મકાન પરથી પતરાં
ઊડયાંનું જાણવા મળ્યું હતું. આજે (ગુરુવારે) બપોરના પણ ભારે પવન સાથે વરસાદી ઝાપટું
પડતાં નાના-મોટા વૃક્ષો ધરાશાયી થયાં હતાં. જ્યારે માતાના મઢ ખાતે યાત્રિકો માટે બાંધવામાં
આવેલ શમિયાણો વરસાદમાં પલળ્યો હતો. ખેડૂતોએ જીરાના પાકને નુકસાન થાય તેવી ભીતિ વ્યકત
કરી હતી.