• શુક્રવાર, 20 માર્ચ, 2026

સરહદી સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ

નારાયણ સરોવર, તા. 19 : નારાયણ સરોવર ખાતે આજે  ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂા. 553.75 લાખના ખર્ચે નિર્મિત થનાર મરીન ટાસ્ક ફોર્સના આવાસોનું  નાણાં અને પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહરક્ષક દળ, ગ્રામરક્ષક દળ, નાગરિક સંરક્ષણ અને નશાબંધી અને આબકારી રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દેશની આંતરિક અને સરહદી સુરક્ષા માટે કટિબદ્ધ છે. આજ કટિબદ્ધતા સાથે સરહદ પર ફરજ બજાવતા સેનાના જવાનો હોય કે પોલીસના જવાનો તેઓની સુખાકારી માટે તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ પોલીસ જવાનોની સુખાકારી માટે ચિંતા કરીને કરોડોના ખર્ચે નવા આવાસોનું નિમાર્ણ કરવામાં આવી રહ્યું છે. સરહદી વિસ્તારમાં સુવિધાસભર આવાસ બનતાં  પોલીસ અને તેના પરિવારની સુખાકારીમાં વધારો થશે. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કોટેશ્વર પાસે ગત રાત્રે મિની વાવાઝોડાંમાં બોટને નુકસાન થયું હોવાનું જણાવતાં વળતરની માંગ કરી હતી. સરકારમાં પણ રજૂઆત કરશે એમ ઉમેર્યું હતું. નારાયણ સરોવર ખાતે મંદિરની મુલાકાત લઈને લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આગેવાન  ગણપતભાઈ રાજગોર, નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલલાલજી મહારાજ, મરીન ડીવાય.એસ.પી. બી.કે. ઝાલા, પી.આઈ. શ્રી કુનિયા, જેતમાલજી જાડેજા, ખેંગારજી જાડેજા, સુરૂભા જાડેજા વગેરે હાજર રહ્યા હતા. 

Panchang

dd