• ગુરુવાર, 26 ડિસેમ્બર, 2024

અંજાર બ્રહ્મસમાજના સેવાભાવી મહિલા અગ્રણીનાં અવસાનથી શોક પ્રસર્યે

અંજાર, તા. 5 : અહીંના સારસ્વત સમાજના સેવાભાવી મોભી મહિલા ગં. સ્વ. વિમળાબેન પંડ્યાનું 87 વર્ષની જૈફ વયે ટૂંકી બીમારી બાદ આજે અવસાન થતાં સમસ્ત કચ્છ બ્રહ્મસમાજમાં ઘેરાશોકની લાગણી વ્યાપી હતી. સદ્ગત કચ્છની  સૌથી જૂની અખબારી આલમના મોભી અને કચ્છ સારસ્વત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ સ્વ. અમૃતલાલ હીરજી પંડયાના ધર્મપત્ની હતાં. સદ્ગત જીવનપર્યંત ગૌસેવાને પ્રાધાન્ય આપીને ગૌસેવા સાથે જોડાયેલાં રહ્યાં હતાં. દરેક પ્રકારના જીવદયાનાં કાર્યમાં હંમેશાં અગ્રેસર રહેતાં હતાં. અંજાર સારસ્વત બ્રહ્મસમાજમાં શિક્ષણના વ્યાપ માટે પણ તેમનું માર્ગદર્શન હંમેશાં પથદર્શક રહ્યું હતું. અંજારના નાગલપર મધ્યે નિર્માણ પામી રહેલાં ભવ્ય બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર પરિસર માટે તેમના પરિવારે ભૂમિ દાનમાં આપી નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમની પ્રેરણા થકી જ અખબારી ક્ષેત્ર તેમજ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા તેમના પુત્ર જગદીશભાઇ, રશ્મિનભાઇ  અને  જયેશભાઇ દ્વારા સમયાંતરે વિવિધ મંદિરો, ગૌશાળાઓ અને અન્નક્ષેત્રોમાં સેવાકાર્યો સહિતનાં સત્કાર્યો કરવામાં આવી રહ્યા છે. આજે ગાંધીધામ ખાતેથી  તેમની સ્મશાનયાત્રા બેન્ડ-વાજા સાથે વાજતે-ગાજતે કાઢવામાં આવી હતી, જેમાં અંજાર, ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લાના વિવિધ સામાજિક, રાજકીય અને વેપારી સંસ્થાઓના શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ જોડાઇને તેમને અંજલિ આપી હતી. આદિપુરના સોનાપુરી સ્મશાનગૃહ મધ્યે સદ્ગત વિમળાબેનનો પવિત્ર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સદ્ગતની પ્રાર્થનાસભા તા. 7/12/24ના સાંજે 4.30થી 5.30 અંબાજી મંદિર હોલ, સેકટર-4, ગાંધીધામ મધ્યે રાખવામાં આવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd