• બુધવાર, 22 જાન્યુઆરી, 2025

દર્દીઓની સારવારમાં નવાં અભિગમો અપનાવતા રહો

ભુજ, તા. 4 : અહીંની નામાંકિત એવી એકોર્ડ હોસ્પિટલ અને કચ્છ સર્જન્સ એસોસીએશનના સંયુક્ત ઉપક્રમે લર્નિંગ એન્ડ સેલિબ્રેશન વિષય પર નિરંતર તબીબી શિક્ષણ (સીએમઇ)નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જોડાયેલા તબીબોએ શત્રક્રિયામાં જટિલતાના પૂર્વાનુમાન, નિવારણ અને વ્યવસ્થાપન પર વિસ્તૃત પ્રકાશ પાડયો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે કરાયો હતો. સેમિનારમાં ઉપસ્થિત હૃદયરોગ નિષ્ણાત ડો. જિતેન્દ્ર શર્માએ  કાર્ડિયાક રિસ્ક અસેસમેન્ટ અને નોન-કાર્ડિયાક સર્જરીઝમાં પેરીઓપરેટિવ  કેર પર માર્ગદર્શન પૂરું પાડયું હતું. તેમણે હૃદયરોગ ધરાવનાર દર્દીઓ માટે સર્જરી કરતાં પહેલાં અને દરમિયાન વિશિષ્ટ થનારા જોખમો અને તેમાંથી બચાવવાના ઉપાય પર ચર્ચા કરી હતી. ન્યૂરોસર્જન ડો. પંકજ ભરડવાએ હેડ ટ્રાઉમા અને ન્યૂરોલોજિકલ એવેલ્યુએશન પર વિસ્તૃત પ્રસ્તુતિ કરી હતી. તેમણે મસ્તિષ્કના ઘા ધરાવતા દર્દીઓના સારવારના નવા અભિગમ અને યોગ્ય મોનિટરિંગ વિશે માહિતી આપી હતી. ફિઝિશિયન ડો. દિલીપ વાઘેલાએ પોસ્ટ ઓપરેટિવ દર્દીઓમાં સામાન્ય જટિલતાઓ વિષય પર વકતવ્ય આપી ઓપરેશન બાદ થતી સામાન્ય સમસ્યાઓ અને તેનાથી બચાવના ઉપાયો સમજાવ્યા હતા. લેપ્રોસ્કોપિક સર્જન ડો. પાર્થરાજ જાડેજાએ લેપ્રોસ્કોપિક સર્જરીની હેમોરેજિક જટિલતાઓ પર વિસ્તૃત પ્રસ્તુતિ આપી. તેમણે વૈશ્વિક સ્તરે લેપ્રોસ્કોપિક સર્જરીમાં થતા રક્તસ્રાવનાં કારણે આવતા જોખમો અને તેમાંથી બચવાના ઉપાય સૂચવ્યા હતા. સિનિયર સર્જન ડો. જ્ઞાનેશ્વર રાવે સર્જિકલ જટિલતાઓના સમાચારના સંક્રમણ વિશે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે દર્દી અને પરિવાર સાથે સંબોધનની નમ્રતા અને સકારાત્મક દૃષ્ટિના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. એકોર્ડ હોસ્પિટલની ટીમ ડો. રાધિકા, ડો. ભર્તી, રીતુ જોશી અને શારોન તેમજ સંચાલન ટીમના સભ્યો દીપેશ સુથાર, દીપેશ જેઠવા, ડો. વડજ ગઢવી, પ્રતીક જોશી અને કેવલભાઇનો સહયોગ મળ્યો હતો. એકોર્ડ હોસ્પિટલના હાડકાં રોગ નિષ્ણાત ડો. સમસુદ્દીન ખોજાએ પણ આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd