ભુજ, તા. 4 : આવતા મહિને તા. 14/1થી 26/2/25 સુધી પ્રયાગરાજ
ખાતે મહાકુંભ મેળો યોજાશે. ત્રિવેણી સંગમ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય
બજરંગ દળ દ્વારા એક કરોડ હિન્દુ શ્રદ્ધાળુઓને
ભોજનની નિ:શુલ્ક વ્યવસ્થા કરવા વૈશ્વિક અભિયાનનો પ્રારંભ કર્યો છે અને આ બાબતે
લોકોને અવગત કરવા આજે ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવીણભાઇ
તોગડિયાએ પત્રકારોને માહિતી આપી હતી. શ્રી તોગડિયાએ ભુજ સ્વામિનારાયણ મંદિરના દર્શન
કર્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, બાંગલાદેશ, પાકિસ્તાન, કેનેડામાં હિન્દુઓ
પર થતા અત્યાચાર મામલે કડક પગલાં ભરાય તેવી માંગ કરી હતી. તાજેતરમાં આર.એસ .એસ.ના સંઘ સંચાલક ડો. મોહન ભાગવત દ્વારા
હિન્દુ વસતી વધારવાના સૂચનને સમર્થન આપ્યું હતું. આગામી તા. 14/1 ઉત્તરાયણથી પ્રયાગરાજના
કુંભમેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્ષે 30થી 40 કરોડ શ્રદ્ધાળુ ત્રિવેણી સંગમ પર
આવશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બજરંગદલ સહિત આ વર્ષે 15 જગ્યાએ રસોડા અન્નક્ષેત્ર
ચલાવી દોઢ મહિનામાં એકથી સવા કરોડ શ્રદ્ધાળુને
ભોજનની વ્યવસ્થા, 35 હજાર લોકોને રહેવા, સવા લાખ લોકોને ચા, ધાબળાની દૈનિક માટેની
વ્યવસ્થા કરાશે. તા. 12/12થી બુકિંગ પણ શરૂ કરી દેવાશે. ભુજ બાદ ડો. તોગડિયાએ સાંજે
ગાંધીધામ ખાતે ટિમ્બર ભવનમાં સભા સંબોધી હતી. ચલો અયોધ્યા, કારસેવા, ઇંટોનું પૂજન સહિતના
અભિયાનથી 12 કરોડ લોકો સુધી પહોંચી શક્યા છીએ તેવું વકતવ્યમાં જણાવ્યું હતું. શશીકાંતભાઇ
પટેલ, મોહન ધારશી ઠક્કર, ગાંધીધામ ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઇ કાનગડે પ્રાસંગિક
વકતવ્ય આપ્યાં હતાં. કંડલા ટિમ્બર એસોસિયેશન દ્વારા 11 લાખ સહિત મોટું ફંડ એકત્રિત
કરાયું હતું. નવનીતભાઇ ગજ્જર, ધર્મેશ જેઠી, ચેમ્બર પ્રમુખ મહેશ પૂંજ, મહેશ તિર્થાણી
હાજર રહ્યા હતા. હિન્દુઓ બહુમતી જાળવી રાખે અને ત્રણ બાળકો તરફ જવાની જરૂર છે તેવી
પણ ડો. પ્રવીણ તોગડિયાએ અપીલ કરી હતી. પ્રયાગરાજ મહાકુંભ 2025 માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ
પરિષદ, રાષ્ટ્રીય બજરંગદલ તેમજ અન્ય સહયોગી સંસ્થાઓ સાથે કરોડો હિન્દુઓની મહાકુંભ મેળામાં
સુવિધા ઊભી કરાશે અને સહયોગ માટે અપીલ કરી ક્યુઆર કોડ જાહેર કર્યો હતો અને મોબાઇલ નંબર
098253 23406 પર સંપર્ક કરવા પણ જણાવાયું હતું. ડો. પ્રવીણભાઇ તોગડિયાએ સ્વામિનારાયણ મંદિર અને સંતોના દર્શનથી ધન્યતા અનુભવી હતી. કુંભમેળા
વિશે માહિતી આપી હતી.