ભુજ, તા. 30 : અહીંના સરપટ નાકા પાસે આવેલી રાજાશાહી વખતની બાંધકામ
ધરાવતી ખાસ જેલ ધરતીકંપ પહેલાં ખૂંખાર કેદીઓથી ભરાયેલી હતી પણ સમયના વળાંકે આ મોટી
ભૂપટ ધરાવતી જેલમાં ભુજ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિના કારણે પકડાયેલા
વાહનોથી ભરાઇ ગઇ છે.2001ના ભૂકંપ પછી નવી જેલ પાલારા ખાવડા માર્ગે બની જતાં આ
જેલના અંદરના રાજાશાહી વખતનાં બાંધકામો પણ જર્જરિત થઇ?ગયા પછી તેને તોડી પાડીને અત્યારે
વાહનો ખડકી દેવામાં આવ્યા છે. જે તે વખતે જેલના કેદીઓ માટે બે કૂવા પણ આવેલા હોવાથી
તે પણ વણવપરાયેલી અવસ્થાના કારણે બિનઉપયોગી બન્યા છે. સરપટ નાકા પાસે જ પોલીસ સ્ટેશન આવેલું હોવાથી ત્યાં બહારે પણ ચારેબાજુ
ગેરકાયદેસર કામના કારણે ઝડપાયેલા વાહનોની કતાર લાગેલી દેખાય છે. જેલની અંદર- બહાર આવા
વાહનોના કારણે સફાઇનો છેદ ઉડી જાય છે. વર્ષોથી પડેલા વાહનો ઉપર ઝાડ અને ઘાસ ઊગી નીકળ્યા
છે. નાકા પાસે બંને બાજુથી આવતા વાહનો અને પાર્કિંગ કરાયેલા વાહનોથી આ રસ્તેથી પસાર
થવું પણ જોખમી બન્યું છે. જેલની અંદર અને બહાર પડેલા વાહનોને વ્યવસ્થિત રીતે ઊભા કરવા
માટે જેલની અંદર પણ સાફસફાઇ ખૂબ જ જરૂરી છે.