ભુજ, તા. 29 : શહેરના બાગોમાં થતી લુખ્ખાગીરી,
યુવા-યુવતીઓ દ્વારા અશોભનીય વર્તન તથા માદક પદાર્થોના સેવનને પગલે ભુજ શહેરના સુજ્ઞ
નાગરિકોને પરિવાર સાથે બગીચામાં ફરવા જવું મુશ્કેલી બની રહ્યું છે, તો ઉપરોક્ત ગેરપ્રવૃત્તિઓ
થકી વાલીઓ બાળકોને પણ બાગમાં રમવા નથી લઈ જઈ શકતા તેવી જાગૃત નાગરિકોમાં ફરિયાદ ઊઠી
છે. ભુજમાં શહેરીજનોને હરવા-ફરવા માટે ત્રણથી ચાર બાગ વ્યવસ્થિત છે. બાકીના જર્જરિત
અને વેરાન બની જતાં બિનુપયોગી છે. વ્યવસ્થિત બાગોમાંથી પણ બે બાગ ઈન્દ્રાબાઈ પાર્ક
તેમજ નગરપાલિકાની નવી બનતી કચેરી પાસે આવેલો બાગ છે, જેમાં લુખ્ખા તત્ત્વો અને ગેરપ્રવૃત્તિઓ
થકી ભુજના સુજ્ઞ નાગરિકો પરિવાર સાથે ફરવા કે, બાળકોને મનોરંજન કરાવવા લઈ નથી જઈ શકતા.
પહેલાં તો અંધારાના ઓળા ઊતરતાં ગેરપ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદો ઊઠતી, પણ હવે તો દિવસે
પણ યુવા-યુવતીઓની હરકતો પસાર થનારા શહેરીજનોને શરમમાં મૂકી દે છે, તો વ્યસનીઓનો પણ
આ બાગ પસંદીદા બની રહ્યો હોવાની લોક ફરિયાદ ઊઠી છે. અમુક બાગોમાં તો લુખ્ખા તત્ત્વોની
ઠઠા મશ્કરીને પગલે લોકોએ પરિવાર સાથે જવાનું જ બંધ કરી દીધું હોવાનું સૂત્રોમાંથી જાણવા
મળ્યું હતું. વી.ડી. હાઈસ્કૂલ સામે આવેલો ઈન્દ્રાબાઈ પાર્ક ભુજવાસીઓમાં પ્રિય બન્યો
હતો. અહીં સવાર-સાંજ મોટી સંખ્યામાં લોકો સ્વાસ્થ્ય સુધારવા ચાલવા આવતા. ઉપરાંત રાત્રે
પરિવાર સાથે નિરાંતની પળો માણવા અને ફરવા સાથે બાળકોને રમાડવા લઈ આવતા, પરંતુ અસામાજિક
પ્રવૃત્તિઓનો વ્યાપ વધતાં હવે નાગરિકો આ બાગમાં આવતા અટકી રહ્યા છે. ભુજ સુધરાઈની નવી
બનતી કચેરી નજીકના બાગ ઉપરાંત તેની બહાર ગેટ નજીકના સંકુલમાં જાહેરમાં યુવક-યુવતીઓ
પસાર થતા લોકોને ક્ષોભમાં મૂકે તેવી હરકતો કરતા હોવાની રાવ ઊઠી છે. આ બાબતે ભુજ સુધરાઈના
બાગ-બગીચા સમિતિના ચેરમેન કાસમભાઈ (ધાલાભાઈ) કુંભારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું
કે, રાજેન્દ્રબાગમાં પાંચ ચોકીદાર-માળીને રાખવા સુધરાઈમાં લેખિત રજૂઆત કરી હોવા સાથે
ઈન્દ્રાબાઈ પાર્કમાં ચોકીદાર પરિવાર રહે છે, તેમને આ બાબતે તાકીદ કરી અસામાજિક પ્રવૃત્તિ
કરતા તત્ત્વોને બહાર કાઢવા જણાવાશે. આ ઉપરાંત ભુજના તમામ બાગમાં પોલીસ દ્વારા સમયાંતરે
તપાસ કરાય તેવી લેખિતમાં એ તથા બી ડિવિઝનમાં જાણ કરશે તેમ ઉમેર્યું હતું.