• શનિવાર, 21 ડિસેમ્બર, 2024

લોકો માટે કંઈક કરવું એ સેવા નહીં પણ આપણી નૈતિક ફરજ છે

રશ્મિન પંડયા દ્વારા

અંજાર, તા. 4 : `િશક્ષક કભી સાધરણ નહીં હોતા, નિર્માણ ઓર પ્રલય ઉસ કી ગોદમેં પલતેં હૈં' ઉક્તિ અંજારની શિક્ષિકા નયનાબેન ભટ્ટએ સાર્થક કરી છે. અનેક સંઘર્ષમય પડાવ પસાર કરનાર આ મહિલાએ અસંખ્ય વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષણ આપ્યું છે. આ ઉપરાંત મહિલાઓને આર્થિક પગભર બનાવવા માટે અનેક પ્રકલ્પોમાં યોગદાન આપ્યું છે. આ ઉપરાંત સમાજમાં પ્રવર્તી રહેલા અંધશ્રદ્ધાનાં દૂષણને નાથવા સમયાંતરે લોકજાગૃતિની પહેલ કરી નારીશક્તિનો મજબૂત દાખલો આપ્યો છે. 66 વર્ષીય સેવાભાવી શિક્ષિકા નયનાબેન અંજાર અને આજુબાજુના વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને હરહંમેશ લોકોની મદદ કરવા માટે જાણીતા છે. તેમણે બાળ અવસ્થામાં પિતાની છત્રછાયા ગુમાવી, ત્યારબાદ માતાએ ખૂબ સંઘર્ષ અને પરિશ્રમ કરી તેમને બી.એડ. સુધી ભણાવ્યા. અબલત્ત કયાંય નોકરી મેળવવામાં સફળતા મળી નહીં. જીવનનિર્વાહ માટે તેમણે  વિદ્યાર્થીઓને અક્ષરજ્ઞાન આપવા માટે ટયૂશન કલાસ શરૂ કર્યા. દરમ્યાન તેમના ધ્યાનમાં આવ્યું કે સમાજમાં આર્થિક રીતે નબળા અનેક પરિવારો છે, જે ટયૂશન ફી ચૂકવી શકતા નથી, પરિણામે તેમણે આવા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક પણે ભણાવવાનું શરૂ કર્યું. ધો.10થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને  વિનામૂલ્યે શિક્ષણ આપવાનો શિરસ્તો વર્ષોથી જાળવી રાખ્યો છે. સેવાકીય પ્રવૃત્તિની જ્યોત પ્રજ્વલિત કરનાર નયનાબેને જણાવ્યું હતું કે સમાજમાં લોકો માટે કંઈક કરવું એ સેવા નહીં પરંતુ આપણી નૈતિક ફરજ છે. પરમાત્મા મનુષ્યને નિ:સહાય  લોકોની તકલીફ દૂર કરવા મોકલે છે. આજના આધુનિક સમયમાં આપણે જીવનની નૈતિકતા અને મૂલ્યોને ભૂલવા ન જોઈએ. અંધશ્રદ્ધાનાં દૂષણને નાથવા માટે લોકજાગૃતિના પ્રવચનો આપવા સાથે કાળી ચૌદસના દિવસે સ્મશાનનો પ્રવાસ અને મુલાકાતનું આયોજન કરાતું હોવાનું તેમણે ઉમેર્યું હતું. છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી જુદી-જુદી સેવાકીય પ્રવૃત્તિ કરતાં આ શિક્ષકા છાત્રાને મફતમાં કોમ્પ્યુટરની પણ તાલીમ આપે છે. ગાંધીધામ કોલેજિએટ બોર્ડ દ્વારા સંચાલિત અંજના હઝારી કોમ્યુનિટી ડેવલોપમેન્ટ સેન્ટર તળે મહિલાઓ માટેના ટેલિ એકાઉન્ટ, સીવણ કલાસ, માટીકામ (મડવર્ક), પેપર બેગ, ભરતકામના વર્ગમાં તેઓ યોગદાન આપે છે. મહિલાઓને આર્થિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપી ત્રી સશક્તિકરણની જ્યોતને જ્વલંત રાખવા માટે પ્રયાસો કરે છે. મહિલાઓને જુદી-જુદી સરકારી યોજનાઓની પણ માહિતી આપે છે. યુવાધનના વિકાસ અંતગર્ત યુવાનોને વિવિધ રોજગારલક્ષી તાલીમવર્ગમાં પણ માર્ગદર્શન આપે છે. ભુજ ખેડૂત તાલીમ કેન્દ્ર અને કૃષિ વિકાસ કેન્દ્ર મુંદરા દ્વારા ખેડૂત પરિવારની મહિલાઓને આધુનિક ખેતી અને પશુપાલનની તાલીમની પ્રવૃત્તિ તથા રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અંજાર દ્વારા જરૂરતમંદ પરિવારોને રાશનકિટ વિતરણ કાર્યમાં પણ તેઓ મદદરૂપ બને છે. રોટરી કલબ અંજાર, આદિપુર, ગાંધીધામ લાયન્સ કલબ, આદિપુર મૈત્રી મંડળ, અંજાર એજ્યુકેશન સોસાયટી, અંજાર નગરપાલિકા સહિતની અનેક સંસ્થાઓએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓની નોંધ લઈ સન્માન કરી બિરદાવ્યું છે. અંતમાં તેમણે કહ્યું હતું કે સમાજના નવયુવાનોમાં ખૂબ શ્રદ્ધા છે, પરંતુ યુવાનોમાં સ્થાપિત થયેલ  દારૂ, જુગાર જેવા વ્યસનો દૂર કરવા જરૂરી છે, જેથી સમાજમાં વિકાસને રુંધાતો અટકાવી શકાય.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang