ગાંધીધામ, તા.
1 : અહીંની આદિપુર રેલવે સ્ટેશન સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં નમો ભારત મેટ્રો
ટ્રેનને શૈક્ષણિક નગરમાં સ્ટોપ આપવા, લિલાશા ફાટક પર અન્ડરબ્રિજ બનાવવા સહિતના મુદ્દે
ચર્ચા કરાઇ હતી. માટિંગમાં નમો ભારત મેટ્રો ટ્રેનને આદિપુર રેલવે સ્ટેશન પર સ્ટોપ આપવા
અંગે વિગતે ચર્ચા કરાઈ હતી. અહીં મોટો રહેણાક વિસ્તાર છે તથા શિક્ષણ નગરી છે. કોલેજોના
લીધે વિદ્યાર્થીઓને તથા સ્થાનિકોને અમદાવાદ જવા માટે આ મેટ્રો ટ્રેન ખૂબ ઉપયોગી છે.
ગાંધીધામથી અમદાવાદની ટિકિટનો ભાવ માત્ર 410 છે, પરંતુ સવારે ચાર વાગ્યે આદિપુરથી ગાંધીધામ
રેલવે સ્ટેશન જવા માટે ખાનગી વાહનનું ભાડું રૂા. 300 થાય છે. મેઘપરને પણ આજ સ્ટેશન
લાગુ પડે છે, જેથી અહીં બે મિનિટનો સ્ટોપ આપવા માગણી કરાઇ હતી. બેઠકમાં લિલાશા ફાટક
પર મંજૂર થયેલા અન્ડરબ્રિજનું કામ ત્વરિત શરૂ કરવા, આદિપુર રેલવે સ્ટેશન બિલ્ડિંગ અપગ્રેડ
કરી અદ્યતન-નવું બનાવવા, પ્લેટફોર્મ નં. બે ઉપર પેસેન્જર ટ્રેન આવતી હોવાથી ત્યાં જવા
માટે સિડી છે અને શેડ પણ નથી, જેથી વયસ્ક નાગરિકોને મુશ્કેલી ભોગવવી પડે છે. પરિણામે
એક્સિલેટર તથા શેડ બનાવવા માંગ કરાઈ હતી. આ ઉપરાંત કોચની વિગત દર્શાવતું ડિજિટલ ઇન્ડિકેટર
લગાડવા, સમય સારણીનાં બોર્ડ, કચ્છ-સૌરાષ્ટ્ર વચ્ચે મેટ્રો ટ્રેન તથા જામનગર, દ્વારકા,
સોમનાથ માટે રેલ સેવાનો આરંભ કરવા સૂર વ્યક્ત કરાયો હતો. આ વેળાએ આદિપુર રેલવે સ્ટેશન
સલાહકાર સમિતિના સભ્ય વિજયાસિંહ જાડેજા, ભરત સાવલાણી, ભજનલાલ લાલચંદાની, સ્ટેશન માસ્તર
સેવારામ મારૂ તેમજ રેલવેના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.