• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

વડીલો માટે ભુજ નજીક અનોખો વિસામો

ભુજ, તા. 4 : ઝડપી યુગમાં પરિવાર ક્યાંક ખોવાઈ ગયો છે. પરિવારની આવક લાખો-કરોડોની હોવા છતાં ઘરમાં શાંતિ નથી. આંતરિક ઝઘડા કલેશ-કપટથી  માનવી હેરાન-પરેશાન છે. વૈભવ તથા સુખ હોવા છતાં માનવી ચિંતામાં જીવે છે, ત્યારે ભુજની સંસ્થાએ એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. માનવજ્યોત ભુજમાં દર અઠવાડિયે એક વૃદ્ધ એવું કપલ આવે કે આવીને અમને કહે અમને અહીં મારી નાખજો... પણ ઘરે પાછા જવાનું ન કહેતા. અમે ઘરેથી ત્રસ્ત થઈ  કંટાળી તમારી પાસે આવ્યા છીએ. અમને આશ્રયની જરૂરત છે. આવી વાત વૃદ્ધ વડીલોના મુખે સાંભળતાં જ દિલ કંપી ઊઠે. અમારી મિલકત-મકાન બધું ગયું. હવે અમે રોડ ઉપર આવી ગયા છીએ. અમારો હાથ ઝાલો...આવા વડીલો માટે કંઈક કરી છૂટવાની ભાવના મનમાં જાગી છે. 70ની વય વટાવી ચૂકેલા કેટલા વડીલ-માતા-પિતા આશ્રય સ્થાન શોધે છે ત્યારે ભુજ નજીક માનવજ્યોત દ્વારા માનસિક દિવ્યાંગો માટેનો રામદેવ સેવાશ્રમ પાલારા શરૂ કરવામાં આવ્યો. 7 વર્ષમાં કામગીરી થઈ. કચ્છમાં રસ્તે રઝળતા અને માર્ગોમાં પડયા પાથર્યા રહેતા 1811 માનસિક દિવ્યાંગોને માનવજ્યોત સંસ્થાએ ગામ-શહેર પરિવાર શોધી આપ્યા. પાંચ-દશ-પંદર-વીસ-પચ્ચીસ વર્ષ પછી તેઓ ઘરે પહોંચ્યા. પરિવારજનો સાથે ફેરમિલન થતાં પરિવારમાં ખુશી છવાઈ હતી. રહેવા-જમવા તથા સારવાર સાથે વૃદ્ધ વડીલોની અનેક પ્રકારે સેવાઓ કરવામાં આવશે. નાનાં બાળકની જેમ વૃદ્ધ વડીલોને પણ સાચવવામાં આવશે. એમની એમના પરિવાર સાથેની મુશ્કેલીઓ, ઝઘડા દૂર કરવા સંસ્થા પૂરા પ્રયત્નો કરશે. જ્યાં જરૂર પડશે ત્યાં સંસ્થા પોલીસ અને કાયદાની પણ મદદ લેશે. વડીલોને પણ અહીં સુખી કરવાની ભાવના છે. વૃદ્ધ વડીલો માટે પાલારામાં `એમ.એલ. ભકતા વડીલોનો વિસામો' આકાર પામી રહ્યો છ, જેનું બાંધકામ અંતિમ તબક્કામાં છે. માનવજ્યોતના પ્રબોધ મુનવર, સુરેશ માહેશ્વરી, પૃથ્વીરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ સંકુલના મુખ્ય દાતા પ્રવેશદ્વાર ઉપર કાયમી નામ એમ.એલ. ભકતા વડીલોનો વિસામો રહેશે. મુખ્ય બેંકવેટ હોલના દાતા લીલાવંતીબેન લક્ષ્મીદાસ ભકતા મુંબઈ પરિવાર છે. બેંકવેટ હોલ, ભોજન ખંડ, રસોડું, ઓફિસ, મેડિકલ રૂમ, સંતકુટિર-ઉપાશ્રય, લાયબ્રેરીનું બાંધકામ પૂરું થઈ ચૂક્યું છે. 20 રૂમ તથા બે પાણીની પરબોનું બાંધકામ ચાલુ છે. વૃદ્ધ વડીલો માટે બગીચો, ગરમ પાણી માટે સોલાર વોટર હીટર, ઈન્વર્ટર, જનરેટર, બાગ-બગીચામાં ઝૂલા-હીંચકા સાથેના સાધનો, પુસ્તકાલય, બેટરીવાળા વાહન, ફાયર સેફ્ટી, સી.સી.ટી.વી. કેમેરા, વ્હીલચેર સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વૃક્ષારોપણ, ટ્રીગાર્ડ તથા પક્ષીઓ માટે ચબૂતરાનું પણ આયોજન છે. દરેક રૂમોમાં બે વૃદ્ધો-વડીલોને આશ્રય અપાશે. રૂમમાં બે પલંગ, બે ખુરશી, ટીપોઈ, બે કબાટની વ્યવસ્થાઓ હશે. પ્રારંભે 40 જેટલા એકલા-અટુલા, નિરાધાર, વૃદ્ધ, વડીલોનું વડીલોનો વિસામો આશ્રયસ્થાન બનશે એમ જણાવ્યું હતું.  ભૂમિદાતા અરુણાબેન વાસુદેવભાઈ રામદાસ ઠક્કર ભુજ પરિવાર છે, જ્યારે ઝીંકડીના કાનાભાઈ દેવરાજ ગાગલે આ સેવાકાર્ય?માટે પોણો એકર જમીન માનવજ્યોતને દાન આપી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang