• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

મનને ગમે તેવું નેત્રા (માતાજી) ગામ : એક સમયે વીજની ખેંચ, આજે વીજ ઉત્પાદન

નેત્રા (માતાજીના) તા. 11: નખત્રાણા તાલુકાના ગામની કાયાપલટ ઊડીને આંખે વળગે તેવી છે. એક સમયે વીજની મુશ્કેલી ધરાવતો નેત્રા અન્યારે વીજ ઉત્પન્ન કરતો વિસ્તાર બન્યો છે. શાંત ધબકતાં ગામની ફરતે વાડી વિસ્તાર પૂરો થાય કે તરત પવનચક્કીઓનાં દૃશ્યથી ગામનો ચિતાર નિખરી ઉઠયો છે. જોકે, સુવિધાઓ વધવાની સાથે થોડી મુશ્કેલીઓએ પણ ગામને કનડવાનું શરૂ કર્યું છે. નખત્રાણા અને અબડાસા તાલુકા વચ્ચે આવેલું નેત્રા (માતાજીના) એક મોટું ગામ છે. અહીં મગફળી, કપાસ વગેરેની ખેતી મુખ્યરૂપે કરવામાં આવે છે. પાણીની દૃષ્ટિએ તો ગામ પહેલેથી આત્મનિર્ભર હતું હવે વીજ ક્ષેત્રે પણ જે ઉણપ હતી તેને જાણે `ગામવટો' આપી દેવાયો છે. લક્ષ્મીપર, રામપર અને નેત્રાના ભૂગર્ભ જળ સાથે નર્મદા શાખાના પાણી આજુબાજુના 250 ગામ સુધી પહોંચે છે. રળિયામણા ડુંગર પર જોગમૈયા માતાનાં મંદિર પરથી ગામનું દૃશ્ય નયનરમ્ય લાગે છે. અહીં લીલોતરી અને વીજ ઉત્પન્ન કરતી પવનચક્કીઓ દેખાય છે. એક સમયે ગામને અપૂરતી વીજળીની સમસ્યા હતી પણ હવે પૂરતા પ્રમાણમાં વીજપુરવઠો મળી રહે છે. ગામમાં વિકાસ સાથે થોડી અગવડોએ પણ જન્મ લીધો છે. અગાઉના સમયમાં બાંડિયા, નરાનગર, જંગડિયા, રામપર, ખાનાય જેવાં ગામના લોકો ખરીદી માટે નેત્રા આવતા હતા, પરંતુ આજે આજુ-બાજુનાં ગામોમાં પણ મોટી દુકાનો થઈ જતાં બીજા ગામમાંથી ખરીદી કરવા આવનારા ઘટી ગયા છે. બાળકોના ઉચ્ચાભ્યાસ, ધંધાર્થે અને લગ્ન યોગ્ય યુવકોનાં સગપણ માટે અમુક લોકો શહેરભણી વળ્યા છે. જોકે, વસતીની દૃષ્ટિએ જાજો ફેર  નથી. અહેવાલ : શૈલ પલણ

Youtube Live

Budget 2024 LIVE

Panchang