• સોમવાર, 22 જુલાઈ, 2024

નિયમિત સાઈકલિંગ શરીરને તંદુરસ્ત-ઊર્જાવાન રાખે છે

ભુજ, તા. 11 : વર્તમાન સમયે પ્રદૂષણનો પ્રશ્ન વૈશ્વિક સ્તરે પડકારજનક બન્યો છે, તો બેઠાડુ જીવનનાં કારણે નાની ઉંમરે હૃદયરોગ સહિતના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યા છે, ત્યારે ફિટ ઇન્ડિયા-ફિટ કચ્છના સૂત્ર સાથે ભુજ ખાતે કચ્છ સાંસદ સાયકલોથોનનું આયોજન કરાયું હતું. નિયમિત સાઈકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત અને ઊર્જાવાન રહે છે, ત્યારે પર્યાવરણની રક્ષા માટે આયોજન કરાયું હોવાનું સાંસદ વિનોદ ચાવડાએ જણાવી અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને શુભેચ્છા પાઠવી હતી. સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ તથા કચ્છ લોકસભા દ્વારા આઝાદી કા અમૃતકાલ અંતર્ગત ફિટ ઇન્ડિયા-ફિટ કચ્છ સાંસદ સાયકલોથોન યોજાઇ હતી. પર્યાવરણ માટે પેંડલ મારી સાઈકલ ચલાવીએ, સ્વાસ્થ્યને જીવનને અભિન્ન હિસ્સો બનાવીએ તેવી નેમ સાંસદ વિનોદ ચાવડા દ્વારા ચલાવવામાં આવી હતી. ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી દ્વારા સાયકલોથોનને પ્રસ્થાન કરાવાયું હતું. ટાઉનહોલથી શરૂ થયેલી સાયકલોથોન કોમર્સ કોલેજ રોડ, હિલગાર્ડન, એરપોર્ટ રિંગરોડ, ગુરુદ્વારા, રેલવે સ્ટેશન, સરપટ નાકા, ખાસરા ગ્રાઉન્ડ, હમીરસર ઓગન, રાજેન્દ્ર પાર્ક, મંગલમ ચાર રસ્તા થઇ પરત ટાઉનહોલ આવી હતી. ભાગ લેનારાઓને પ્રમાણપત્રથી સન્માનવામાં આવ્યા હતા. 10થી 50 વર્ષની ઉંમરવાળા લોકોએ સાઇકલોથોનમાં ભાગ લીધો હતો. સાંસદ શ્રી ચાવડા પણ સાઈકલ ચલાવી જોડાયા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, શાસક પક્ષના નેતા કમલ ગઢવી, કાઉન્સિલર મનુભા જાડેજા, કિરણ ગોરી, મનીષ બારોટ, રવિ નામોરી, ભુજ તાલુકા ભાજપ મહામંત્રી દિનેશ ઠક્કર, સુનીલ મહેશ્વરી, તેજસ પાઠક સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang