• શનિવાર, 02 માર્ચ, 2024

કચ્છ સહિત ચાર ક્ષેત્રના ભાજપ પ્રમુખ બદલાયા

અમદાવાદ, તા. 25 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત ભાજપે લોકસભા 2024ની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ગત રોજ સંગઠન મંત્રીની અધ્યક્ષતામાં રાજ્યના 8 મહાનગરના પદાધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકના બીજા જ દિવસે સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જે અનુસાર, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, કચ્છ અને મોરબી જિલ્લાના નવા પ્રમુખ નિમાયા છે. કચ્છમાં અંજાર તાલુકાના રતનાલના 53 વર્ષીય દેવજીભાઈ એચ. વરચંદને કેસરિયા પક્ષનું સુકાન સોંપાયું છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ભાજપના પ્રમુખનું પદ સંભાળતા કેશુભાઈ પટેલ 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભુજ બેઠક પરથી વિજયી બન્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે લોકસભા ચૂંટણી પહેલાં ભાજપ સંગઠન માળખાંમાં મોટા ફેરફાર કરીને આગળની રણનીતિ નક્કી કરી છે. ભાજપે આજે 4 શહેર-જિલ્લાના પ્રમુખની બદલીને નવા પ્રમુખની નિમણૂંક કરી છે. જેમાં રાજકોટ જિલ્લા અને શહેર પ્રમુખોનો પણ સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે અલ્પેશ ધોલરીયા તેમજ શહેર પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની જગ્યાએ મુકેશ દોશીને નિમણૂંક કર્યા છે. આ ઉપરાંત કચ્છમાં દેવજીભાઈ વરચંદ અને મોરબીમાં રણછોડભાઈ દલવાડીની નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ દ્વારા નવનિયુક્ત થયેલ કચ્છ, રાજકોટ, મોરબી જિલ્લા અને રાજકોટ શહેરના પ્રમુખોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના સંગઠનમાં ફેરફાર કરાયો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદેથી એક સમયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ ગણાતા કમલેશ મીરાણીને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને નવા પ્રમુખ તરીકે શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મુકેશ દોશીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગોંડલ માર્કાટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા નિમણુંક કરાઈ છે. ઢોલરીયા મનસુખ ખાચરિયાના સ્થાને આવ્યા છે. આ ઉપરાંત કચ્છમાં દેવજીભાઈ વરચંદ અને મોરબીમાં રણછોડભાઈ દલવાડીની નિમણૂંક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ દ્વારા નવનિયુક્ત થયેલ કચ્છ, રાજકોટ, મોરબી જિલ્લા અને રાજકોટ શહેરના પ્રમુખોને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.  નોંધનીય છે કે, લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે એક વર્ષથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ચૂંટણી મોડમાં આવી ગયો છે. રાજ્યની આઠેય મહાપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલે મેરેથોન બેઠક યોજી હતી અને તમામની પાસે કામગીરીના રિપોર્ટ માંગવામાં આવ્યા હતા. સાથોસાથ અલગ-અલગ મુદ્દાઓ પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તમામને ચૂંટણી પહેલાં હોમ વર્ક પકડાવી દેવામાં આવ્યું છે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang