• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

સરકારી કર્મચારીઓની સર્વિસબુક ડિજિટલ થશે

હૃષીકેશ વ્યાસ તરફથી

અમદાવાદ, તા. 18 : ગુજરાત સરકારના સચિવાલયમાં વર્ષોથી ફાઇલોમાં સચવાયેલા જૂના સરકારી દસ્તાવેજોને હવે ડિજિટલ સ્વરૂપ આપવાની દિશામાં મહત્ત્વની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અંદાજે 1.72 કરોડથી વધુ પાનાંનું સ્કાનિંગ અને ડિજિટાઇઝેશન કરાવવાની યોજના તૈયાર કરવામાં આવી છે. આ કામગીરીથી દાયકાઓ જૂના સરકારી રેકર્ડને ડિજિટલ સ્વરૂપમાં સાચવી રાખવા અને ભવિષ્યમાં તેની જરૂર પડે ત્યારે સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો માર્ગ મોકળો થશે. ગુજરાત સરકારના કર્મચારીઓની નોકરીનો સમગ્ર ઇતિહાસ પણ હવે કાગળની સર્વિસબુકમાંથી ડિજિટલ રેકર્ડમાં રૂપાંતરિત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે સરકારી કર્મચારીઓની સર્વિસબુક સ્કેન કરીને હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (એચઆરએમએસ)માં ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવા એજન્સીની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ કર્મચારીની નિમણૂકથી લઈને બદલી, બઢતી, પગારધોરણ, રજાઓ, સેવા સંબંધિત નોંધો અને નિવૃત્તિ સુધીના મહત્ત્વના રેકર્ડને ડિજિટલ માધ્યમથી સાચવવા અને શોધવાનું સરળ બની શકે છે. આ કામગીરીનું સૌથી મહત્ત્વનું પાસું તેનું કદ છે. સરકારી દસ્તાવેજ મુજબ, કુલ 1,72,89,240 પાનાંનું સ્કાનિંગ અને ડિજિટાઇઝેશન કરવાનું છે એટલે કે, લગભગ 1.73 કરોડ પાનાંના જૂના દસ્તાવેજોને ડિજિટલ રેકર્ડમાં ફેરવવાનું આયોજન છે. આ દસ્તાવેજોમાં 26થી 50 વર્ષ જૂના રેકર્ડનો પણ સમાવેશ થાય છે. આથી આ કામગીરી માત્ર હાલના કર્મચારીઓની ફાઇલોને કમ્પ્યુટરમાં સાચવવા પૂરતી નથી પરંતુ લાંબા સમયથી કચેરીઓમાં જળવાયેલા જૂના સેવા રેકર્ડને પણ ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ છે. તેની ટેકનિકલ શરતો મુજબ દસ્તાવેજોનું 400 હાઈરિઝોલ્યુશન પર સ્કાનિંગ કરવાનું રહેશે એટલે કે, મૂળ દસ્તાવેજની વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તે માટે ઊંચી ગુણવત્તાવાળી ડિજિટલ નકલ તૈયાર કરવાની રહેશે. દરરોજ એક લાખથી વધુ પાનાં સ્કેન કરવાની ક્ષમતા પણ નિર્ધારિત કરવામાં આવી છે. સ્કેન થયેલાં દરેક પાનાં સાથે જરૂરી માહિતી અને ઓળખની વિગતો જોડવાની રહેશે, જેથી ભવિષ્યમાં માત્ર કર્મચારીનું નામ કે સંબંધિત વિગતોના આધારે દસ્તાવેજ શોધી શકાય.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd