• બુધવાર, 18 નવેમ્બર, 2026

એસઆઇઆર વિવાદમાં હવે સુપ્રીમ કોર્ટની ભૂમિકા મહત્ત્વપૂર્ણ

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 17 : દેશના રાજકારણમાં મંગળવારે અનેક મુદ્દાઓ પર રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો. ક્યાંક મતદારયાદીના વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઇઆર)ને લઈને વિપક્ષ અને ચૂંટણીપંચ વચ્ચે કાયદાકીય લડાઈ વધુ ઉગ્ર બનતી દેખાઈ હતી, તો 2027ની વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓને વધુ તેજ કરી દીધી છે. સંસદના આગામી શિયાળુ સત્ર, મહિલા અનામત અને સીમાંકનને લઈને પણ રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને મણિપુરમાં રાજકીય નિવેદનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મનીલા પ્રવાસ અને બિહારમાં એનડીએની ચૂંટણી તૈયારીઓ પણ ચર્ચામાં રહી.

નવમી ડિસેમ્બર સુધી સુનાવણી ટળી

એસઆઇઆર વિવાદમાં સુપ્રીમ કોર્ટની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. વિપક્ષ તરફથી 48 સવાલના જવાબ માગતી અરજી પર કોર્ટે ચૂંટણીપંચ પાસેથી જવાબ માગ્યો છે. આ મામલાની આગામી સુનાવણી નવમી ડિસેમ્બરના નિર્ધારિત થઈ હોવાની માહિતી છે. વિપક્ષ એ જાણવા માગે છે કે, એસઆઇઆર લાગુ કરવાનો નિર્ણય કયા આધારે લેવામાં આવ્યો અને શું આ મુદ્દે ચૂંટણી કમિશનરો વચ્ચે કોઈ મતભેદ હતો. જ્યારે પંચ તરફથી નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હોવાની વાત કહેવામાં આવી છે, હવે આગામી સુનાવણીમાં આ વિવાદને લઈને સ્થિતિ વધુ સ્પષ્ટ થવાની અપેક્ષા છે.

2027ની ચૂંટણીઓની તૈયારીમાં કોંગ્રેસ

આગામી વિધાનસભા ચૂંટણીઓને જોતા કોંગ્રેસે સંગઠનાત્મક સ્તરે પોતાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર માટે ક્રીનિંગ કમિટીઓની રચનાને પાર્ટીની ચૂંટણી રણનીતિનો મહત્ત્વનો ભાગ માનવામાં આવી રહ્યો છે. ઉત્તરપ્રદેશમાં અજય માકનને ક્રીનિંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી હોવાના અહેવાલ છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ રાજ્યના નેતાઓ સાથે ચૂંટણી સમીકરણો પર ચર્ચા કરી ચૂક્યા છે. બીજીતરફ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે ઇન્ડિ ગઠબંધન સાથે ચૂંટણી લડવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જો કે, ગઠબંધનમાં બેઠકોની વહેંચણીને લઈને હજુ ચિત્ર સ્પષ્ટ નથી.

શિયાળુ સત્રમાં

સંસદનું શિયાળુ સત્ર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની સંભાવના વચ્ચે મહિલા અનામત અને સીમાંકનનો મુદ્દો ફરી ચર્ચામાં છે. પ્રસ્તાવિત બંધારણીય ફેરફારો હેઠળ લોકસભાની વર્તમાન 543 બેઠક વધારીને મહત્તમ 850 કરવા અને મહિલાઓને 33 ટકા અનામત આપવાની દિશામાં પહેલની ચર્ચા છે. આ પ્રસ્તાવ પર રાજકીય સહમતિ સાધવી સરકાર માટે મોટો પડકાર બની શકે છે. બંધારણીય સુધારા માટે સંસદમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે. આવી સ્થિતિમાં વિપક્ષની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે.

જમ્મુ-કાશ્મીર અને ત્રિપુરામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં બે વિશેષ પોલીસ અધિકારીઓ (એસપીઓ)નાં મોતના મામલે કોંગ્રેસે નિષ્પક્ષ તપાસની માંગ ઊઠાવી છે. પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તારિક હમીદ કર્રાએ ઘટનાની પરિસ્થિતિઓ પર સવાલ ઊઠાવ્યા છે. જ્યારે ભાજપે કોંગ્રેસના આરોપો પર વાંધો ઊઠાવ્યો છે. આ ઘટનાક્રમે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને નવી ચર્ચા છેડી દીધી છે.  બીજી તરફ, ત્રિપુરામાં 27 નવેમ્બરના  યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ અને સીપીઆઇ(એમ)એ ભાજપ સમર્થકો પર વિપક્ષી કાર્યકરોને પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે મતદાન મથકો પર કેન્દ્રીય સુરક્ષા દળોની તૈનાતીની માંગ કરી છે. જો કે, આ આરોપો પર સંબંધિત પક્ષોનો સત્તાવાર પક્ષ પણ મહત્ત્વપૂર્ણ રહેશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd