નવી દિલ્હી, તા. 17 : હોર્મુઝની
સામુદ્રધુનીમાં પનામાના ધ્વજ હેઠળના `તારા ગેસ' નામના એલપીજી ટેન્કર પર મિસાઈલ હુમલો થયો હતો. આ જહાજ પર 25 સભ્યનું
ક્રૂ હતું, જેમાં 24 ભારતીય
નાગરિકોનો સવાર હતા. તમામ ભારતીય નાગરિકો અને અન્ય ક્રૂ સભ્ય સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની
માહિતી મંગળવારે કેન્દ્રીય બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી
સર્વાનંદ સોનોવાલે આપી હતી. એક મીડિયા હેવાલ મુજબ, કેન્દ્રીય
મંત્રી સર્વાનંદ સોનોવાલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે,
સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને જહાજ પર સવાર ભારતીય
નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જહાજની વ્યવસ્થાપન કંપની સાથે સતત સંપર્કમાં
છે. જો કે, હુમલામાં જહાજને કેટલું નુકસાન થયું છે તે હજુ જાણી
શકાયું નથી. આ પહેલાં, શનિવારે ઈરાની નૌકાદળે પણ અહેવાલ આપ્યો
હતો કે, હોર્મુઝની સામુદ્રધુની અને તેની આસપાસના વિસ્તારમાં ત્રણ
ઓઈલ ટેન્કરો દરિયાઈ સુરંગો સાથે અથડાયા હતા, જેના પરિણામે જહાજો
પર વિસ્ફોટો થયા હતા અને આગ લાગી હતી. આ ઘટના એવા સમયે બની છે, જ્યારે હોર્મુઝની સામુદ્રધુની અને તેની આસપાસના વિસ્તારોમાં દરિયાઈ સુરક્ષા
અંગેની ચિંતાઓ વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, આ ક્ષેત્રમાં ઓછામાં ઓછા ચાર ઓઈલ ટેન્કરોને નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો
સાંપડયા હતા. ઈરાની નૌકાદળે જણાવ્યું હતું કે, હોર્મુઝની સામુદ્રધુનીના
પૂર્વીય ભાગમાં એક અન્ય ટેન્કર દરિયાઈ સુરંગ સાથે અથડાવાને કારણે તેમાં આગ લાગી ગઈ
હતી. ઈરાને આરોપ લગાવ્યો હતો કે, આ જહાજ પ્રતિબંધિત દરિયાઈ ક્ષેત્રમાં
પોતાની નેવિગેશન સિસ્ટમ બંધ રાખીને આગળ વધી રહ્યું હતું. ઈરાની નૌકાદળના જનસંપર્ક વિભાગે
જણાવ્યું હતું કે, ટેન્કર પોતાની નેવિગેશન સિસ્ટમ સક્રિય કર્યા
વિના પ્રતિબંધિત વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું. આ ઘટના બાદ ઈરાની નૌકાદળે અન્ય
જહાજોના સંચાલકોને ચેતવણી આપી હતી કે, તેઓ ઈરાની સશસ્ત્ર દળો
સાથે સંકલન કર્યા વિના પ્રતિબંધિત દરિયાઈ વિસ્તારોમાં પ્રવેશ ન કરે. નિયમોનું ઉલ્લંઘન
કરીને અને સશસ્ત્ર દળો સાથે સંકલન કર્યા વિના કરવામાં આવતી કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિના
પરિણામે દરિયાઈ સુરંગો સાથે ટક્કર થઈ શકે છે અને જહાજમાં આગ લાગી શકે છે. આ ચેતવણી
બાદ આ ક્ષેત્રમાં દરિયાઈ જહાજોની અવરજવર અંગે સતર્કતા વધુ વધારી દેવામાં આવી છે. જો
કે, ઈરાની નૌકાદળ દ્વારા જે ટેન્કર દરિયાઈ સુરંગ સાથે અથડાયું
હોવાનો દાવો કરવામાં આવ્યો છે, તેની ઓળખ અંગે કોઈ ચોક્કસ વિગતો
બહાર આવી નથી.