• ગુરુવાર, 19 નવેમ્બર, 2026

બળ કે દબાણથી બદલાવનો પ્રયાસ અસ્વીકાર્ય: ક્વાડ

મનીલામાં  અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના નેતાઓની બેઠક પછી સંયુકત નિવેદન : હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જાળવી રાખવા પ્રતિબદ્ધતા

નવી દિલ્હી, તા. 17 : ફિલિપીન્સની રાજધાની મનિલામાં આજે યોજાયેલી ક્વાડ દેશોના નેતાઓની શિખર બેઠકમાં અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના નેતાઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં ચારેય દેશોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષા જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા ફરી દોહરાવી હતી.  ઉપરાંત 2027માં મુંબઇમાં પહેલીવાર ક્વાડ બિઝનેસ લીડર્સ ફોરમની બેઠક યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ચારેય દેશો એવી કોઈપણ અસ્થિરતા ઊભી કરતી અથવા એકપક્ષીય કાર્યવાહીઓનો સખત વિરોધ કરે છે, જેના દ્વારા બળ અથવા દબાણનો ઉપયોગ કરીને વર્તમાન સ્થિતિ બદલવાનો પ્રયાસ કરવામાં આવે. ક્વાડ દેશોના જણાવ્યા અનુસાર, આવી પ્રવૃત્તિઓથી આ ક્ષેત્રમાં તણાવ વધે છે અને શાંતિ નબળી પડે છે. સંયુક્ત નિવેદનમાં ક્વાડ દેશોએ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ દેશ દ્વારા બળ અથવા દબાણનો ઉપયોગ કરીને વર્તમાન સ્થિતિ બદલવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી. ચારેય દેશોએ આ બાબતને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા માટે ચિંતાનો વિષય ગણાવી છે. આ ઉપરાંત, આર્થિક દબાણ ઊભું કરવાના પ્રયાસો અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નિવેદનમાં ખાસ કરીને મનસ્વી રીતે લાદવામાં આવતા નિકાસ પ્રતિબંધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે ક્વાડ દેશોની ચિંતા માત્ર સૈન્ય અથવા દરિયાઈ ગતિવિધિઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ વેપાર અને આર્થિક નિર્ણયો દ્વારા અન્ય દેશો પર દબાણ ઊભું કરવાની પ્રવૃત્તિઓને લઈને પણ છે. જોકે, આ નિવેદનમાં કોઈ ચોક્કસ દેશનું નામ લઈને આવી પ્રવૃત્તિઓ માટે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યો નથી. ક્વાડના નેતાઓએ મહત્વપૂર્ણ સપ્લાય ચેઇનને સુરક્ષિત રાખવા અને દરિયાઈ તથા હવાઈ માર્ગો પર અવરજવરની સ્વતંત્રતા જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં દરિયાઈ પરિવહનને સુરક્ષિત અને સરળ બનાવવું પણ ચારેય દેશોની સંયુક્ત પ્રાથમિકતાઓમાં સામેલ છે. ચારેય દેશોએ જણાવ્યું હતું કે તેઓ આ ક્ષેત્રમાં ખુલ્લા, સુરક્ષિત અને કોઈપણ પડકારનો સામનો કરવા સક્ષમ દરિયાઈ પરિવહન માર્ગો સુનિશ્ચિત કરવા માટે કામ કરશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd