• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

અમેરિકામાં હિન્દુ મંદિર પર હુમલાનું કાવતરું

નવી દિલ્હી, તા. 15 : અમેરિકાના ઇલિનોય રાજ્યમાં આવેલા એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને મોટા પાયે ગોળીબાર કરવાની યોજનાની ભારતે નિંદા કરી છે. આ ઘટના અંગેના એક નિવેદનમાં, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ઓરોરા વિસ્તારમાં આવેલા આ મંદિર પરના આયોજિત હુમલાના સમાચારને અત્યંત ચિંતાજનક ગણાવ્યા હતા અને આ કાવતરાંમાં જે નફરતભરી, વંશીય ભેદભાવપૂર્ણ અને ભારત-વિરોધી માનસિકતા જોવા મળી છે તે અત્યંત ખલેલ પહોંચાડનારી હોવાનું જણાવ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, `અમેરિકાના ઇલિનોય રાજ્યના ઓરોરા વિસ્તારમાં આવેલા એક હિન્દુ મંદિરને નિશાન બનાવીને ગોળીબાર કરવાનું કાવતરું ઘડાયું હોવાના અહેવાલોથી ભારત ખૂબ જ ચિંતિત છે.' આ કાવતરાંને અત્યંત ચિંતાજનક ગણાવતાં મંત્રાલયે નોંધ્યું હતું કે, આ કિસ્સામાં જે રીતે હિન્દુ ધર્મ અને ભારતીયો વિરુદ્ધ વંશવાદી માનસિકતા અને હિંસા જોવા મળી છે તે ચિંતાનો વિષય છે. અમેરિકાના ઇલિનોય રાજ્યના ઓરોરામાં આવેલા એક હિન્દુ મંદિરને નિશાન બનાવવાનું કાવતરું ઘડવાના આરોપસર 19 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાળાઓના જણાવ્યા મુજબ તપાસ દરમિયાન આ વ્યક્તિની ઓળખ પેલેટાઇનના રહેવાસી એલેક્ઝાન્ડ્રોસ પાપોરકિસ તરીકે થઈ છે. તેની પાસેથી નફરતભર્યો પત્ર મળી આવ્યો હતો. આ પત્રમાં શ્વેત સર્વોપરિતાની વિચારધારા અને ભારતીય મૂળના લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવાની વાતો લખેલી હતી. ભારતે અમેરિકાના વહીવટી તંત્રને આ સમગ્ર મામલાની ઊંડી તપાસ કરવા, ગુનેગારોને કડક સજા અપાવવા અને ત્યાં વસતા ભારતીય સમુદાયની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મજબૂત પગલાં લેવા અનુરોધ કર્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, `અમેરિકામાં ભારતીયો વિરુદ્ધ વધી રહેલી નફરત અને વંશીય ભેદભાવ એક ગંભીર સમસ્યા બની રહી છે.  નફરતથી પ્રેરાઈને થતી હિંસા પ્રત્યે `ઝીરો-ટોલરન્સ'ની નીતિ અપનાવવાની અને આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે.'  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd