લાસ વેગાસ, તા.15 : ભારતના વિશ્વજીત રામચંદ્ર મોરેએ
ગુરુવારે અંડર-23 વર્લ્ડ રેસાલિંગ ચેમ્પિયનશિપની
ગ્રીકો-રોમન સ્પર્ધામાં ભારત માટે પ્રથમ ઐતિહાસિક સિલ્વર મેડલ જીતી લીધો છે. પુરુષોના
55 કિગ્રા વર્ગની આખરી ક્ષણો સુધી
શ્વાસ થંભાવી દે તેવી ફાઇનલમાં મોરે જ્યોર્જિયાના કોબા કારુમિદ્જે સામે 12-13થી માત્ર એક પોઈન્ટના સાંકડા
અંતરે પરાજિત થતાં ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો. સુવર્ણ ચંદ્રક જીતીને ઈતિહાસ રચવાના લક્ષ્ય
સાથે ઉતરેલો મોરે છેલ્લી સેકન્ડ સુધી ઝઝૂમ્યો હતો. તેમ છતાં, આ વૈશ્વિક સ્પર્ધાની ફાઇનલમાં પહોંચનાર અને
સિલ્વર જીતનારો વિશ્વજીત ભારતનો સર્વપ્રથમ ગ્રીકો-રોમન પહેલવાન બની ગયો છે. અગાઉ બે
બ્રોન્ઝ જીતી ચૂકેલો મોરે અંડર-23 સ્તરે બેથી વધુ મેડલ મેળવનારો એકમાત્ર ભારતીય કુસ્તીબાજ બન્યો
છે. આ ટુર્નામેન્ટ દરમિયાન વિશ્વજીતે ઉચ્ચ સ્તરની રમત અને પરિપક્વતા દર્શાવી હતી. તેણે
મેક્સિકોના ઇસાક માટાને 10-8થી હરાવી
વિજયી પ્રારંભ કર્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં ઈરાનના અંડર-20 વર્લ્ડ ચેમ્પિયન આર્મિન શમસીપૌરના
ખભાની ઈજાનો લાભ ઉઠાવી શાનદાર 'ફોર-પોઇન્ટર
થ્રો' સાથે 8-1થી એકતરફી વિજય મેળવ્યો હતો. સેમિફાઇનલમાં રશિયાના મલિક ગિગિએવ
સામે બંને કુસ્તીબાજો વચ્ચે રેફરીના રિવ્યૂના રોમાંચક દાવપેચ બાદ મોરેએ 6-4થી જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ
કર્યો હતો.