• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

છેલ્લાં પાંચ વર્ષથી માતાના મઢમાં યોજાતો નવરાત્રિ ઉત્સવ

માતાના મઢ, તા. 15 : અહીં દેશદેવી મા આશાપુરા મંદિરે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત દ્વારા મંદિર પરિસર બહાર નવરાત્રિ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ચોથા નોરતે રાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ, લખપત પ્રાંત અધિકારી શ્રી ઠુમ્મર, દયાપર મામલતદાર નવીનચંદ્ર મારૂ, લખપત તા. વિ. અધિકારી શ્રી ચંદે, માતાના મઢ સરપંચ કાસમભાઈ કુંભાર, તા. પંચાયતના સભ્ય જિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો-યાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બીજીબાજુ એક ગાયક કલાકાર તરીકે પોતાની પેન્ટ ઉપર લાભ-શુભ અને માતાજીનું વાહન સાંઢણી સહિતનાં સ્ટિકર લગાવીને મંચ પર દેખાતા લોકોની લાગણી દુભાણી હતી. મઢના અગ્રણી સુરેન્દ્રસિંહ જાડેજા સહિતના લોકોએ વિરોધ કરી આ કલાકારની પેન્ટ ઉપર લાગેલાં સ્ટિકર હટાવ્યાં હતાં. સરકારી નવરાત્રિ ઉત્સવ છેલ્લા પાંચ વર્ષથી મઢમાં યોજાઈ રહ્યો છે. અગાઉ ઓસમાણ મીર, ગીતાબેન રબારી સહિતના કલાકારો પોતાના મધુર સ્વરથી મા આશાપુરાજીના ગરબા, છંદ, દુહા, સ્તુતિ ગાઈ ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આસો નવરાત્રિમાં માતાના મઢ સહિત ગુજરાતના વિવિધ દેવી શક્તિનાં સ્થાનકોએ આ વિભાગ દ્વારા નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ચાર કલાકના કાર્યક્રમમાં અંદાજિત 15થી 18 લાખનો ખર્ચ વિભાગ દ્વારા કરવામાં આવે છે. દર વર્ષે ટેન્ડર પ્રક્રિયાથી એજન્સીઓને આપવામાં આવે છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના કમિશનર કચેરી ગાંધીનગરથી આયોજન કરાતું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હોવાનું યાદીમાં જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd