ભુજ, તા. 15 : શહેર સુધરાઇ દ્વારા રજૂ થયેલાં
બજેટ તેમજ જાન્યુઆરી-26થી સપ્ટેમ્બર-26 સુધી ત્રિમાસિક હિસાબોને સામાન્ય
સભામાં સર્વાનુમતે બહાલી અપાઇ હતી. જો કે, પાણી-ગટર તેમજ અન્ય થયેલાં કામોમાં વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે
ઉગ્ર રજૂઆત કરાતાં વાતાવરણ ગરમાયું હતું. ભુજના ટાઉનહોલ ખાતે મળેલી સુધરાઇની સામાન્ય
સભાના પ્રારંભે વર્ષ 2025-26ના
66.43 કરોડના વાર્ષિક હિસાબો રજૂ
કરાયા હતા. આ ઉપરાંત જાન્યુ.થી માર્ચ સુધીના 87.58 કરોડ, એપ્રિલથી
જૂન સુધી 95.23 કરોડ અને
જુલાઇથી સપ્ટેમ્બર સુધી 91.67 કરોડના ત્રિમાસિક
હિસાબો તેમજ શહેરની સુખાકારી સમાવતા વિવિધ 117 ઠરાવોને સર્વાનુમતે બહાલી અપાઇ હતી. - વરસાદી નાળાં સફાઇનો ખર્ચ મંજૂર : પ્રારંભે
પ્રમુખ શીતલ શાહે તમામ ઉપસ્થિતોને આવકાર્યા હતા. ઠરાવોનું વાંચન ઉપપ્રમુખ બિંદિયાબેન
ઠક્કરે કર્યું હતું. પ્રમુખ સ્થાનેથી રજૂ થયેલા ઠરાવનું વાંચન સેનિટેશન ચેરમેન મનુભા
જાડેજાએ કર્યું હતું, જેમાં વરસાદી
અકસ્માતની શક્યતાને ધ્યાને લઇ વોર્ડ નં. 1થી 11માં આવતા
તમામ વરસાદી વહેણના નાળાંની સફાઇ કરાવવાના 19.42 લાખના ખર્ચને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. - વિપક્ષે વિવિધ કામો સામે સવાલો
ઉઠાવ્યા : સભા દરમ્યાન વિપક્ષી નગરસેવક કિશોરદાન ગઢવીએ
લોકોને સતાવતી સમસ્યાઓ રજૂ કરી હતી, જેમાં પાણી વિતરણ અનિયમિતનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત બોર બનાવવાના ખર્ચ
સામે તેમણે સવાલો ઉઠાવ્યા હતા. રાજકીય કાર્યક્રમમાં લોકોને સ્થળ સુધી પહોંચાડવાના ખર્ચ
નગરપાલિકાએ મંજૂર કરતાં તેમણે કહ્યું કે, કચેરીના કર્મચારીઓના
છઠ્ઠા પગારપંચના બાકી નીકળતા નાણાં, બાકી પગાર સહિતના નાણાં ચૂકવાયાં
નથી ત્યારે ઉપરોક્ત ખર્ચા શા માટે તેવો સવાલ ઉઠાવ્યો હતો. તો 64 કરોડની `નલ સે જલ' યોજના સુધરાઇએ સ્વીકારી લીધી પણ તે હજુ સુધી
ચાલુ થઇ નથી તેમજ યોજના અંતર્ગત બનેલા ટાંકાઓ લીક થતા હોવાના આક્ષેપ સાથે નગરસેવિકા
અંજલિ ગોરે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો. વિપક્ષના અમુક પ્રશ્નોના ઉત્તર મુખ્ય અધિકારી
તેમજ સત્તા પક્ષ દ્વારા અપાયા હતા. સભામાં કારોબારી ચેરમેન કમલ ગઢવી મંચસ્થ રહ્યા હતા.
સત્તા પક્ષ-વિપક્ષના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. - આ છે મુખ્ય
ઠરાવો : ઘનકચરા વ્યવસ્થાપનનું પાલન ફરજિયાત. - સફાઇ તેમજ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન ચૂકવણું.
- ચંગલેશ્વર હેડ કવાર્ટર્સ ફરતે કમ્પાઉન્ડ
વોલ. - 122 લાખના ખર્ચે આઠ નવા બોર બનાવવા
- ભુજમાં વિવિધ વિસ્તારમાં પેચવર્ક, રસ્તાનાં કામો, નવા બનાવવા
- બગીચાઓમાં વધારાની સુવિધા. - નગરપાલિકા કક્ષાએ સ્વદેશી મેળો યોજવો. - જનભાગીદારીનાં કામો. - રામધૂનથી મહાદેવ નાકા માર્ગે બ્યૂટિફિકેશન.
- ઓપન એર થિયેટરનું રિનોવેશન 1.48 કરોડના ખર્ચે. - છઠ્ઠા પગારપંચના એરિયર્સના ચૂકવણાં.