• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

ખાવડા બાજુની પથ્થરની ખાણમાં મલબો પડતાં ત્રણ મોતના કેસમાં આરોપી નિર્દોષ

ભુજ, તા. 15 : ત્રણેક વર્ષ પૂર્વે ખાવડાના પૈયા-રતાડિયાની સીમમાં ત્રણ વ્યક્તિ પથ્થરની ખાણમાં પથ્થરોનો મલબો પડતાં મૃત્યુ પામ્યા હતા. આ કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. આ ગુનામાં આરોપી પંકજ ભુરાભાઈ વૈષ્નાણીને આગોતરા જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ કેસમાં આરોપી વિરુદ્ધ તેના કબજા - ભોગવટાની સંચાલન હેઠળની પથ્થરની ખાણમાં પોતાના આર્થિક ફાયદા માટે યોગ્ય લાયકાત ધરાવતા જિયોલોજિસ્ટ - માઈનિંગ એન્જિનીયરની નિમણૂક ન કરી, ખાણકામ એક સ્લેમમાં કરી- કરાવવાથી ખાણની ઊંડાઈ વધુ થવાના કારણે માણસોની જિંદગી જોખમાય તેવું જાણતા હોવા છતાં 90થી 100 ફૂટ જેટલું ખાણકામ કરાવવાથી મોટા પ્રમાણમાં મલબો (પથ્થરો) પડતાં ખાણમાંની ત્રણ વ્યક્તિનાં મોત નીપજાવી તેમજ બે હિટાચી, ચાર હાઈવા ટ્રકને નુકસાન પહોંચાડયા બાબતની ફરિયાદ જે-તે સમયના પી.આઈ. ડી.બી. વાઘેલાએ ખાવડા પોલીસ મથકે કરી હતી. આ કેસમાં 14 મૌખિક સાક્ષી તથા બાવન દસ્તાવેજી પુરાવા રજૂ થયા હતા. આરોપીને આક્ષેપિત ગુના સાથે સાંકળી શકાય તેવો કોઈ પુરાવો કોર્ટમાં રજૂ ન થયો હોવાની દલીલ આરોપીના એડવોકેટ આર.એસ. ગઢવીએ કરતાં સેશન્સ અદાલતે આરોપીને નિર્દોષ છોડવા હુકમ કર્યો હતો. - મુંદરાના હત્યા કેસમાં આરોપી નિર્દોષ : મુંદરામાં 4/9/2025ના ઓમચંદ્ર રંથુ માંજીવાળાની હત્યા થઈ હતી જેમાં પિતરાઈ ભાઈ બલેશ્વર કલીન્દ્ર બેસરા દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે મુંદરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી અને આરોપી રોમેન હરિનાથ ઉર્ફે ગંજન ટાંટીની ધરપકડ કરી તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. પૂરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરાઈ હતી. આ કેસ સેશન્સ અદાલતમાં ચાલી જતાં આરોપી વિરુદ્ધ પોલીસ દ્વારા મુકેલા તહોમતમાં 15 સાહેદો અને 44 દસ્તાવેજી આધારો તપાસ્યા બાદ ન્યાયિક પ્રક્રિયાના અંતે ફરિયાદ પક્ષ કેસ પુરવાર કરવામાં નિષ્ફળ નિવડતાં અદાલતે શંકાનો લાભ આપી બન્ને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકતો હુકમ કર્યો છે. આરોપીના ધારાશાત્રી મુકેશ એન. બોખાણી સાથે ક્રિષ્નાબેન કે. હરસોરા, જયશ્રીબેન સંઘાર, મંજિત કૌર હાજર રહ્યા હતા. - મુદતદોષ માફ થવાની અરજી મંજૂર : અરજદાર પીરૂણાબા પ્રતાપસિંહ રાઠોડ દ્વારા આદિપુર મધ્યે આવેલી મિલકત વોર્ડ નં-2-બી, પ્લોટ નંબર 258, એસઆરસી બંગલો નં.20વાળી મિલકત પ્રેમસિંહ મદારસિંહ રાઠોડ, ધીરજબા પ્રેમસિંહ રાઠોડ તથા મૌલીન પ્રેમસિંહ રાઠોડ દ્વારા ગેરકાયદેસર રીતે મિલકતમાં અપ પ્રવેશ કરી કબજો કરી મિલકત પચાવી પાડાવનું કૃત્ય આચરાયું તે સંબંધે તેઓએ કલેકટર સમક્ષ ફરિયાદદ કરેલી જે દફતરે કરવામાં આવી છે. જેથી નારાજ થઈ અરજદારે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 મુજબ હાલની ફરિયાદ દાખલ કરેલી તે દલીલ કરવા માટે વિલંબ થયેલો તે વિલંબ દરગુજર કરવા માટેની અરજી બીજા એડિશનલ સેશન્સ જજ તથા સ્પે. જજ (જી.એલ.જી.પી.) ભુજની કોર્ટમાં રજૂ કરવામાં આવતાં બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ અદાલત દ્વારા ચાર વર્ષ જેટલો થયેલો વિલંબ માફ કરવાનો હુકમ અરજદાર તરફે ફરમાવવામાં આવ્યો હતો જેમાં અરજદારના એડવોકેટ તરીકે ભુજના ધારાશાત્રી મયૂર પુરોહિત તથા પાર્થ પુરોહિત હાજર રહ્યા હતા. - છેતરપિંડીના કેસમાં આગોતરા જામીન મંજૂર : ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે આરોપી એડવોકેટનો વ્યવસાય કરતા પુપુલ શિવજી સંગાર વિરુદ્ધ છેતરપિંડીની કલમો સહિત ગુનો દાખલ થયો હતો જેમાં  ગુજરાત હાઈકોર્ટમાં સંજીવ જે ઠાકરની કોર્ટ દ્વારા આગોતરા જામીન મંજૂર કરતો હુકમ કરવામાં આવ્યો છે. ગુના કામેના કથિત વેચાણ દસ્તાવેજમાં સહી ન હોઈ તથા પાવર ઓફ એટર્ની પણ તેમના પક્ષે કરવામાં આવી ન હોઈ તેમજ અગાઉ કોઈ ગુનાહિત ઈતિહાસ ન હોવાના મુદ્દાઓ ધ્યાને લઈ આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પુપુલ સંગાર તરફે એડવોકેટ શિવાંગ ઠક્કર હાજર રહ્યા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd