• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

સત્ય માટે લડનારા પ્રામાણિક ધારાશાસ્ત્રીનું નિધન

ભુજ તા. 15 : કચ્છના વરિષ્ઠ ધારાશાત્રી, કેન્દ્ર અને રાજ્યની અનેક એજન્સીઓના ખાસ વકીલ, ગાયત્રી સાધક અને કચ્છમિત્રના કટાર લેખક રત્નાકરભાઈ જાદવરાય ધોળકિયાનું ભુજ ખાતે ટૂંકી માંદગી પછી 86 વર્ષની વયે નિધન થતાં બાર એસો. અને નાગર જ્ઞાતિમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. `નાગર રત્ન'થી સન્માનિત આ પ્રખર, નીડર અને બાહોશ ધારાશાસ્ત્રીએ કચ્છના સંવેદનશીલ સરહદીય કિસ્સાઓમાં ખાસ વકીલ તરીકે અગત્યની ભૂમિકા ભજવી હતી. 17 માર્ચ, 1941ના ભુજ મધ્યે જન્મેલા રત્નાકરભાઈએ એમ. એ., એલએલ.બી.નો અભ્યાસ કર્યો હતો. પ્રારંભિક દસ વર્ષમાં વન વિભાગ, પોલીસ, માધ્યમિક શિક્ષક, સેલ્સટેક્સ ઇન્સ્પેક્ટર જેવી વિવિધ નોકરીઓ પછી 1975થી પિતા જાદવરાયભાઈ સાથે વકીલાતનો પ્રારંભ કર્યો હતો. 1983-87 દરમિયાન જિલ્લા સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર રહ્યા હતા. 1987થી 2015 દરમિયાન કેન્દ્ર સરકારના નાણાં અને મહેસૂલ વિભાગના કસ્ટમ, એનસીબી, સેન્ટ્રલ એક્સાઈઝ, ફેરા, ગોલ્ડ કંટ્રોલ વગેરે માટે `સ્પેશિયલ પ્રોસિક્યુટર' તરીકે કામગીરી સંભાળી હતી. તે સંદર્ભે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ વગેરે સ્થળોએ મહત્ત્વના પ્રકરણોમાં કેન્દ્ર સરકારની ખાસ નિમણૂકથી પ્રામાણિકતાથી વિશેષ આદર જન્માવી શક્યા હતા.  2012માં અમદાવાદ ખાતે `પ્રિવેન્સન  ઓફ મની લોન્ડરિંગ'ની ખાસ કોર્ટની સ્થાપના થતાં તેની રાજ્ય સ્તરની પેનલમાં તેમનો સમાવેશ થયો હતો. ઉપરાંત અમદાવાદની `ટાડા એક્ટ'ની ખાસ સ્પે. પી. પી. પેનલમાં લતીફ ગેંગ સામે કેસ ચલાવવા માટે નિમણૂક થઇ હતી. સાથે, કચ્છમાં આરડીએક્સ, હથિયાર લેન્દીન, જીઈબી, ઈજનેર લાંચ પ્રકરણે રાજ્ય સરકાર તરફથી સ્પે. પી. પી. નીમાયેલા. મિસાઈલ પ્રકરણ સંદર્ભે પણ ખાસ કેન્દ્ર સરકાર તરફથી નિમણુક થયેલી હતી. અપરાધીઓએ મહાદેવ નાકે તેમના પર હિચકારો હુમલો પણ કર્યો હતો, છતાં તેમણે નીડરતા અને બાહોશીથી  પોતાની સંનિષ્ઠ ફરજ બજાવી હતી. 2025માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. દાણચોરીને લગતા, કસ્ટમને લગતા મામલાઓના તેઓ નિષ્ણાત હતા. 1980ના દશકમાં કચ્છમાં દાણચોરી ખૂબ થતી હતી ત્યારે તેમણે કુલદીપ શર્મા, જી.એસ. મલિક સહિતના પોલીસ અધિકારીઓના કાર્યકાળ દરમ્યાન દાણચોરો તેમજ અસામાજિક તત્ત્વો સામે ઉલ્લેખનીય રીતે કાયદાકીય કામગીરી બજાવી હતી.  ગાયત્રી પરિવારની પ્રવૃત્તિઓ સાથે ગાઢ રીતે સંકળાયેલા રત્નાકરભાઈ યુગ નિર્માણ યોજનામાં ઓતપ્રોત હતા. કચ્છમિત્રની બુધવાર પૂર્તિમાં `સરહદી કચ્છના સનસનીખેજ કિસ્સા : કાયદાની એરણે' કટાર 2011થી બે વર્ષથી વધુ ચાલી હતી અને રસપૂર્વક વંચાતી હતી. એ કટારના લેખોનો સંચય `સંવેદનશીલતા સરહદની ' નામે એપ્રિલ, 2017 પુસ્તકાકાર પામ્યા હતા અને સંવર્ધિત આવૃત્તિ જૂન 2017માં પ્રસિદ્ધ થઇ હતી. એમણે `નાગર રત્ન' એવોર્ડથી સન્માનિત કરાયા હતા. રત્નાકરભાઈનાં નિધન પર કચ્છની વકીલ આલમમાં શોક વ્યાપ્યો છે. જાણીતા ધારાશાત્રી ભરતભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે, શ્રી ધોળકિયાના અવસાનથી મોટી ખોટ સાલશે. તેઓ વકીલોનું ગૌરવ હતા. જીવનભર સત્ય, પ્રામાણિકતા અને નીડરતાને વરેલા હતા. હાટકેશ સેવા મંડળ, અંબિકા મહિલા મંડળના વિભાકર અંતાણી, અવિનાશ વૈદ્યએ રત્નાકરભાઈને શ્રદ્ધાંજલિ આપી તેમના કાર્યોનું સ્મરણ કર્યું હતું.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd