• શુક્રવાર, 16 ઑક્ટોબર, 2026

લાખોનો દારૂ પકડાયા બાદ સ્થાનિક અને એલ.સી.બી. પી.આઈ.ની બદલી

ગાંધીધામ, તા. 15 : પૂર્વ કચ્છમાં બુટલેગરો, કાળાધંધાવાળા બેફામ બન્યા હોવાની ફરિયાદો વચ્ચે એસ.એમ.સી.એ ભીમાસર (ભુ.)માંથી  લાખોનો દારૂ પકડી પાડતાં પૂર્વ કચ્છના એલ.સી.બી. પી.આઈ. તથા આડેસર પી.આઈ.ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી હતી તેમજ એલસીબીના ચારેક કર્મીઓ અને આડેસરમાં સર્વેલન્સ સ્ટાફને વિખેરી નખાયો હોવાનું સપાટી ઉપર આવ્યું હતું. પૂર્વ કચ્છમાં લાકડિયા, ગાગોદર, ભચાઉ, સામખિયાળી આસપાસ દારૂ, માદક પદાર્થ, કોલસાના વાડા વગેરે બેનંબરી ધંધાઓ અંગે આક્ષેપો, ફરિયાદો ઊઠી રહી હતી. જે અંગે સ્થાનિક પોલીસ કોઈ ખાસ કાર્યવાહી ન કરતી હોવાથી થોડા સમય પહલાં સરહદી રેન્જનની ક્રાઈમ-બેની ટીમે જૂના કટારિયાની સીમમાં દારૂના કટિંગ વેળાએ છાપો માર્યો હતો અને 30 લાખનો દારૂ ઝડપી પાડયો હતો. આ દારૂ પણ ખાસ શાખાના અમુક પલળેલા કર્મીઓની છૂટથી શરૂ કરાયો હોવાનો ગણગણાટ બેડામાં સાંભળવા મળ્યો હતો. તેવામાં હવે ગત રાત્રે  એસ.એમ.સી.એ ભીમાસરમાંથી લાખોનો દારૂ પકડી પાડતાં પૂર્વ કચ્છ પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી હતી અને આડેસરના પી.આઈ. જે.બી. આચાર્યની જાહેરહિતમાં લીવ રિઝર્વમાં તથા એલ.સી.બી. પી.આઈ. જે.એમ. વાળાની તાત્કાલિક અસરથી ગાંધીધામ બી-ડિવિઝનમાં બદલી કરી નાખી હતી તેમજ ગાંધીધામ બી-ડિવિઝનના પી.આઈ. એસ.વી. ગોજિયાની સારી કામગીરીના પગલે તેમને એલ.સી.બીમાં નિમણૂક આપવામાં આવી હતી. જ્યારે સાયબર ક્રાઈમના બી.વી. બોરીસાગરની આડેસર બદલી તથા એસ.ઓ.જી.ના પી.આઈ. એમ.સી. વાળાને બીજો હુકમ ન થાય ત્યાં સુધી સાયબર ક્રાઈમનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. તેમજ પૂર્વ કચ્છ ગુનાશોધક શાખામાં અગાઉ ત્રણ કર્મીઓની અન્યત્ર બદલી કરાયા બાદ આજે ભીમસાર દારૂની કાર્યવાહી બાદ આજે ચારેક કર્મીઓની જુદી-જુદી જગ્યાએ બદલી કરવામાં આવી હતી તેમજ આડેસર સર્વેલન્સ સ્ટાફને વિખેરી નખાયો હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. સૂત્રોએ દાવો કર્યો હતો કે, એસ.એમ.સી.એ. પકડેલા શખ્સ પાસેથી થોડા દિવસ અગાઉ જ નાની માત્રામાં દારૂ પકડાયો હતો પરંતુ સબ સલામત હૈના પાટિયા મારી દેવાયાં હોવાનો ગણગણાટ સાભળવા મળ્યો હતો. એસ.એમ.સી.ની કાર્યવાહીથી સ્થાનિક પોલીસની તથા ખાસ શાખાની  નિક્રિયતા કે મધની લહાય હોવાનું બહાર આવ્યું હતું. આ મોટી સાફસૂફી બાદ હજુ પણ ખાસ શાખાઓમાં અમુક પલળેલા કર્મીઓ બાકાત રહી ગયા હોવાનો ગણગણાટ પોલીસ બેડામાં સાંભળવા મળ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd