નવી દિલ્હી, તા. 26 : ભારત અને
ચીન વચ્ચેની વાતચીત મહત્ત્વપૂર્ણ દિશામાં આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રીય
સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચે એક બેઠક થઈ હતી.
જેમાં મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રીએ કહ્યું
હતું કે તેઓ પરસ્પરના સંબંધોને મજબૂત બનાવવા અને બન્ને દેશ વચ્ચેની સમજ વધારવા માટે
ભારત સાથે મળીને કામ કરવા માટે તૈયાર છે. આ વાતચીત દરમિયાન ભારત-ચીન સંબંધોની સાથે
બન્ને દેશના સરહદ વિવાદ અંગે પણ વાતચીત કરવામાં આવી હતી. નિવેદન અનુસાર ચીન-ભારત સંબંધોનો
સ્વસ્થ અને સ્થિર વિકાસ બન્ને દેશના લોકોનાં હિતને મદદ કરે છે. ગ્લોબલ સાઉથ દેશોની
આકાંક્ષાને પૂરી કરે છે અને સમયની જરૂરિયાત પણ છે. ચીન-ભારત સંબંધ દ્વિપક્ષીય સ્તરથી
આગળ વધી ચૂક્યા છે અને તેનું વૈશ્વિક તેમજ રણનીતિક મહત્ત્વ છે. ચીનના વિદેશ મંત્રીએ
વાતચીત દરમિયાન કજાન અને તિનજીયાનમાં પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિની બેઠકોને યાદ
કરી હતી. તેમણે કહ્યું હતું કે, ચીન ભારત
સાથે મળીને દ્વિપક્ષીય સંબંધોને આગળ વધારવા, સંવાદ મજબૂત કરવા,
મતભેદો દૂર કરવા અને સારા પાડોશી તેમજ મિત્ર બનવા માટે તૈયાર છે. તેમણે
એમ પણ કહ્યું હતું કે બન્ને પક્ષ વિશેષ પ્રતિનિધિ બેઠકોમાં થયેલી સમજૂતીઓને ક્રમબદ્ધ
રીતે આગળ વધારી રહ્યા છે. આ સાથે વાંગે ભાર મૂક્યો હતો કે બન્ને દેશે ઐતિહાસિક અનુભવોથી
પાઠ લઈને સકારાત્મક પગલાં ભરવા જોઈએ. આ દરમિયાન અજીત ડોભાલ તરફથી કહેવામાં આવ્યું હતું
કે, ભારત અને ચીન બન્ને પ્રાચીન સભ્યતા છે અને અર્થવ્યવસથા છે.
તેઓ હરીફ નહીં પણ સહયોગી છે. ભારત, ચીન સાથે રણનીતિક સંવાદને
મજબૂત કરવા, સહયોગ વધારવા અને સમન્વયને વધારે ગાઢ બનાવવા માટે
તૈયાર છે. બન્ને પક્ષે બેઠકમાં દોહરાવ્યું હતું કે, સરહદના મુદ્દાનો
એક નિષ્પક્ષ, ઉચિત અને પરસ્પરરૂપથી સ્વીકાર્ય ઉકેલ લાવવાની કોશિશ
કરવામાં આવશે. બન્ને પક્ષ વાતચીત, વિચારણા મારફતે સરહદ વિવાદમાં શાંતિ જાળવતા રહેશે.