તેહરાન, તા. 26 : હોર્મુઝ જળમાર્ગના ઉલ્લંઘન
બદલ ઈરાને કુલ 45 જહાજને બ્લેકલિસ્ટ કર્યા છે.
જેમાં બે ભારતીય જહાજ પણ સામેલ છે. જેને લીધે તનાવ ઓર વધવાની ભીતિ છે. આ જહાજો ઉપર
હોર્મુઝ જળમાર્ગથી પસાર થવા માટે ઈરાને નક્કી કરેલી શરતોનું કથિત રીતે ઉલ્લંઘન કરવાનો
આરોપ છે. ભારત સ્થિત કંપનીના માલિકી અને સંચાલનના બે જહાજ ઈરાનના ફારસની ખાડી જળમાર્ગ
પ્રાધિકરણ (પીજીસીએ) દ્વારા જાહેર 45 પ્રતિબંધિત જહાજની યાદીમાં સામેલ છે. પ્રતિબંધિત કરવામાં આવેલા
જહાજોમાંથી ઘણા સંયુક્ત અરબ અમિરાત સ્થિત સંસ્થાઓ,
વિશેષ રૂપથી અબુ ધાબી નેશનલ ઓઇલ કંપની (એડીએનઓસી) સમૂહ સાથે જોડાયેલા
છે. ભારત ઉપરાંત સાઉદી અરબ, કતર, ગ્રીસ,
નેધરલેન્ડ, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને નોર્વે જેવા દેશોના જહાજ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પાકિસ્તાની ધ્વજ ધરાવતું એક ક્રૂડ ટેન્કર પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ઈરાનના નિયમોનું
ઉલ્લંઘન કરવા બદલ ભવિષ્યમાં યાદીમાં સામેલ જહાજોને હોર્મુઝ જળમાર્ગથી પસાર થતા રોકવામાં
આવી શકે છે. વધુમાં દંડ અને માલ જપ્તી જેવી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. પીજીસીએએ
રવિવારે મોડી રાત્રે એક પોસ્ટ મારફતે જહાજો ઉપર કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી
આપી હતી. પીજીસીએએ કહ્યું હતું કે, જો વધુ જહાજો નિયમ તોડશે તો
તેને પણ યાદીમાં સામેલ કરવામાં આવશે જ્યારે જે જહાજ યાદીમાંથી નામ હટાવવા માગે છે તે
પોતાના અનુરોધને સ્પષ્ટીકરણે સાથે મોકલી શકશે.