અમદાવાદ, તા. 26 (અમારા પ્રતિનિધિ તરફથી) : કચ્છમાં
21 વર્ષીય યુવતી અને 23 વર્ષના યુવક પાડોશમાં રહેતા
હોય તેમની વચ્ચે પ્રેમ પાંગરતા લીવઈન કરાર કરીને સાથે રહેતા હતા. જો કે યુવતીના પરિવારને
આ આંતરધર્મીય મૈત્રી કરાર સામે વિરોધ હોવાથી યુવતી ગુમ થયાની પોલીસ ફરિયાદ કરી હતી.
પોલીસે પૂછપરછ માટે બંનેન બોલાવ્યા બાદ તેમને છૂટા પાડ્યા હતા. પરંતુ યુવકે હાઈકોર્ટમાં
આ મામલે હેબિયસ કોર્પસ અરજી કરતા હાઈકોર્ટે આઠ માસની ગર્ભવતી યુવતીને તેની મરજી પૂછતાં
બંનેને ફરી સાથે રહેવા માટે મંજૂરી આપી છે. આંતરધર્મીય લિવ-ઈન કપલને ગુજરાત હાઈકોર્ટે
ફરી સાથે રહેવાની મંજૂરી આપી છે. કચ્છમાં પાડોશમાં રહેતી 21 વર્ષીય યુવતી અને 23 વર્ષીય યુવક વચ્ચે પ્રેમસંબંધ
બંધાયો હતો. બંને અલગ-અલગ ધર્મના હોવાથી પરિવારજનોને તેમનો સંબંધ મંજૂર નહોતો. પરિવારના
વિરોધ વચ્ચે બંને ઘરેથી નીકળી ગયા અને લગ્ન કર્યા વગર સાથે રહેવા માટે લિવ-ઈન પાર્ટનર
એગ્રીમેન્ટ કર્યો હતો. ત્યારબાદ બંને બનાસકાંઠા ગયા અને સાથે રહેવા લાગ્યા હતા પરંતુ
લીવ-ઈનમાં રહેવાના થોડા જ દિવસોમાં યુવતીના પરિવારજનોએ યુવતીની ગુમ થયાની પોલીસ ફરિયાદ
નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંનેનો સંપર્ક કર્યો અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા
હતા. ત્યારબાદ યુવતીને તેના પાર્ટનરથી અલગ કરીને કચ્છના ભુજ ખાતે મહિલા કલ્યાણ કેન્દ્રમાં
રાખવામાં આવી હતી. યુવકે યુવતીને પોતાની સાથે પરત મોકલવા માટે પોલીસ અને જિલ્લા પોલીસ
અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી, પરંતુ
કોઈ ઉકેલ ન આવતા આખરે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. આ મામલે
હાઈકોર્ટના જજ સંગીતા કે વિશે અને જજ ઉત્કર્ષ દેસાઈની ખંડપીઠે યુવતીનો સીધો મત જાણ્યો
હતો. જો કે યુવતી આઠ માસની ગર્ભવતી હોવાથી તેની સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી તેની ઈચ્છા
જાણી હતી. યુવતીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તે પોતાની મરજીથી
અને કોઈપણ પ્રકારના દબાણ કે બળજબરી વગર પોતાના પાર્ટનર સાથે પરત જવા માંગે છે. યુવતીની
આ ઈચ્છાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે તેને પોતાના પાર્ટનર સાથે જોડાવાની મંજૂરી આપી
હતી.