• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

નેપાળમાં જળતાંડવ પહાડમાંથી ધસ્યો પ્રલયકારી પ્રવાહ : 157 મોત, 133 ભારતીય લાપત્તા

કાઠમંડુ, તા. 26 : પાડોશી દેશ નેપાળમાં બુધવારે આંખો ખૂલતાંની સાથે જ લોકોએ એક દુ:સ્વપ્ન નજરોનજર જોયું હતું. આજે ઊગેલી સવારને ભારે ગોઝારી બનાવતાં તિબેટથી આવેલા ધસમસતા પૂરપ્રકોપે પારાવાર તબાહી મચાવી દીધી હતી. રસુવા જિલ્લામાં સવારે નવ વાગ્યે તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં અચાનક પૂરના ધસમસતા પ્રવાહના પ્રહારથી કમસેકમ 157થી વધુ લોકોનાં મોત થઇ ગયાં હતાં. `કુદરતના કોપ'થી મરણાંક હજુ વધવાની ભીતિ વ્યક્ત કરાઇ હતી. અનેક ઘરો, રસ્તા, પૂલો તોડી નાખનાર જળપ્રલયમાં 133 ભારતીય, 291 વિદેશી સહિત 1000થી વધુ લોકો લાપતા બન્યા હતા. આખેઆખાં ગામો પૂર પ્રવાહમાં તણખલાં જેમ તણાઈ ગયાં હતાં. ચીન-નેપાળને જોડતો પુલ તૂટી ગયો હતો. ભારતે વાયુદળના વિમાનો મારફતે 10 ટન જેટલી દવા સહિત સામગ્રીની મદદ મોકલી હતી. પાડોશી દેશની રાજધાની કાઠમંડુથી 125 કિલોમીટર દૂર રસુવામાં વિનાશક પૂરપ્રકોપથી મોટી સંખ્યામાં આખેઆખાં ઘરો તણાઇને તબાહ થતાં બેઘર બનેલા લોકોનું જાણે સર્વસ્વ લૂંટાઇ ગયું હતું. રસુવામાં સૌથી વધારે તબાહી થઇ છે, પૂરપ્રકોપે રસુવાથી નુવાકોટ અને ધાદિંગ સુધી નદી કિનારે અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો હતો. લગભગ 42 કિલોમીટર સુધીના રસ્તાઓ તેમજ કમસે કમ 19 પુલ તૂટી ગયા હતા. ડઝનથી વધુ વસાહતોમાં પૂરનાં ધસમસતાં પાણીએ તબાહી મચાવી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જીવેલણ જળપ્રલયના વિવિધ વીડિયો પર આખેઆખી શાળા, પાવર પ્લાન્ટને પોતાનાં તોફાની વહેણમાં ખેંચી જતાં પૂરનાં દૃશ્યો નબળા મનના લોકો ધ્રૂજી ઊઠે તેવાં હતાં. ઉપગ્રહ તસવીરોમાં પણ કાટમાળ, ભૂસ્ખલનથી વેરાયેલા વિનાશનાં દૃશ્યો જોવાં મળ્યાં હતાં. પૂરપ્રકોપથી 13 જળવિદ્યુત પરિયોજના પ્રભાવિત થઇ હતી. અનેક પરિયોજનાના ડેમ, વીજઘરો, પહોંચવાના માર્ગો તૂટી પડયા હતા. બજારો, સીમા ક્ષેત્રોમાં અનેક ઘર તો કાગળની હોડી જેમ પૂરના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયાં હતાં. શાળા, ઘરો, રસ્તાઓ, પુલો પૂરપ્રવાહમાં તણખલાંની જેમ તણાઇ ગયાં હતાં તો 10થી વધુ બેન્કો તણાઇને તબાહ થઇ ગઇ હતી. નેપાળની સેનાના જવાનો `જીવન રક્ષક'ની ભૂમિકા ભજવતાં કામે લાગી ગયા હતા અને મોટી સંખ્યામાં લોકોને બચાવ્યા હતા. 13 હેલિકોપ્ટર સાથે બચાવ રાહત અભિયાન છેડાયું હતું. નેપાળ થઈને તિબેટ તરફ કૈલાસ માનસરોવર યાત્રાએ મોટી સંખ્યામાં જતા ભારતીય તીર્થયાત્રીઓની તલાસ જારી છે. આવા યાત્રીઓના પરિવારોની ચિંતા વધી ગઈ છે. પૂરપ્રકોપની અસર રસુવાથી નુવાકોટ, ધાદિંગ થઈને ચિતવન સુધી જોવા મળી હતી. રસુવામાં ટિમુરે, સ્યાફુબેસી, હાકુબેસી, મેલુંગ, સલ્લેયર, શાંતિ બજાર, પેરેબેસી, ખાકટી બસ્તી અને બેત્રાવતી સહિત વિસ્તારોમાં ઘરો તણખલા જેમ તણાઈને બરબાદ થઈ ગયા હતા. ભારતે પણ પાડોશી ધર્મ નિભાવતા નેપાળના પૂરગ્રસ્ત વિસ્તારોમાં જલ્દી રાહત સામગ્રી પહોંચાડી હતી. ભારતીય વાયુદળના સી-17 અને સી-130 વિમાન હિંડન અને પાલમ એરબેઝ પરથી કામે લગાડાયા હતા. વડાપ્રધાન બાલેન શાહે રસુવામાં ભોટેકોશી નદીના વિનાશક પૂરપ્રકોપમાં જાન માલની હાનિ પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. શાહે કહ્યું હતું કે, સરકારે તેના સશત્ર, પોલીસ, નેપાળ પોલીસને બચાવ રાહત અભિયાનમાં કામે લગાડયા છે. પૂરપીડિતો સુધી ભોજન-પાણી-દવા પહોંચાડવામાં સરકારની પ્રાથમિકતા છે.

પૂરપ્રકોપનું કારણ શું ? ભૂકંપ કે ભીષણ હિમસ્ખલન ..?

કાઠમંડુ, તા. 26 : નેપાળમાં વિનાશક પૂરપ્રકોપ પાછળના કારણોની જામેલી ચર્ચા વચ્ચે પ્રથમ નજરે ભીષણ હિમસ્ખલન, ભૂસ્ખલનના પગલે આફત ત્રાટકી હોવાનું કહેવાય છે, તો નેપાળના વિદેશમંત્રી શિશિર ખનલે ભૂકંપનું કારણ હોવાની વાત કરી હતી. તિબેટી ક્ષેત્રમાં આજે સવારે 8 અને 37 મિનિટે 4.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. કાઠમંડુ યુનિવર્સિટીના પ્રોફેસર રીજાન ભકત કાયસ્થના પ્રાથમિક મૂલ્યાંકન મુજબ એક મોટા હિમસ્ખલને  લ્હેન્દે નદીનો માર્ગ રોક્યો હતો. ભારે માત્રામાં એકઠું થઇ ગયેલું પાણી પ્રાકૃતિક બંધરિયા નીચે તરફ વહેવા લાગ્યું અને ભોટેકોશી નદીમાં પૂરપ્રકોપ સર્જાયો. આ તબાહી પાછળ કોઈ સામાન્ય વરસાદ નહીં, પરંતુ પહાડી ક્ષેત્રમાં સર્જાયેલી એક પર્યાવરણીય પ્રક્રિયા જવાબદાર છે. ચીનના તિબેટ ક્ષેત્રમાં અતિભારે વરસાદ અને હિમશીલા તૂટતાં પહાડો ધસી પડયા હતા. ભીષણ ભૂસ્ખલનથી ત્યાં વહેતી નદીનો પ્રવાહ રોકાઈ ગયો અને માટી-પથ્થરોનો એક કામચલાઉ કુદરતી ડેમ(તળાવ) બની ગયો. તળાવમાં પાણીનું દબાણ ક્ષમતા કરતાં વધી જતાં આ માટી-પથ્થરોનો કુદરતી અવરોધ અચાનક ધડાકાભેર તૂટી પડયો. ડેમ તૂટતાં જ લાખો લિટર પાણી અત્યંત તીવ્ર ગતિએ કાદવ, કાંકરા અને કાટમાળ સાથે નેપાળ તરફ ધસી આવ્યું, જેને વૈજ્ઞાનિક ભાષામાં `ફ્લેશ ફ્લડ' કે `મડ ફ્લડ' કહેવાય છે. આ ભયાનક પ્રવાહ સીધો નેપાળની `ભોટેકોશી નદી'માં આવતાં નદીનું સ્તર અચાનક વધી ગયું. પરિણામે કાંઠે આવેલા રસુવા જિલ્લાના સ્યાપ્રુ બેસી અને તિમુરે જેવા ગામો પૂરના પાણીમાં તણાઈ ગયા.

Panchang

dd