નવી દિલ્હી, તા. 22 : કેન્દ્ર સરકારે
નાનાં બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો
છે. શરદી, ઉધરસ અને એલર્જીની સારવારમાં વપરાતી અમુક દવાઓ
(ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન - FDC) પર સરકારે કડક નિયમો લાગુ કર્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના નવા આદેશ મુજબ, કલોર્ફેનીરામાઇન મેલેટ અને ફેનિલેફ્રાઇન હાઇડ્રોકલોરાઇડના
મિશ્રણથી બનતી દવાઓ હવે 4 વર્ષથી નાની
ઉંમરનાં બાળકોને આપી શકાશે નહીં. આ પ્રકારની તમામ દવાઓનાં ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો
છે. આ ઉપરાંત, દવા બનાવતી કંપનીઓ માટે તેમના પાકિંગ પર `4 વર્ષથી નાના બાળકો માટે ઉપયોગ
કરવો નહીં' તેવી સ્પષ્ટ વૈધાનિક ચેતવણી
છાપવી ફરજિયાત બનાવવામાં આવી છે. સરકારના આ નવા આદેશ મુજબ, દવા
બનાવતી કંપનીઓએ પોતાના દરેક પેક, લેબલ, બોક્સમાં મુકાતા માહિતીપત્રક અને પ્રચાર સામગ્રી પર આ ચેતવણી સ્પષ્ટપણે છાપવી
ફરજિયાત બનશે. આ નિયમ એવા તમામ સિરપ, ડ્રોપ્સ કે અન્ય બનાવટો
પર એકસમાન રીતે લાગુ થશે જેમાં કલોર્ફેનીરામાઇન મેલેટ અને ફેનિલેફ્રાઇન હાઇડ્રોકલોરાઇડનું
મિશ્રણ હોય. અગાઉ આ પ્રતિબંધ અમુક જ દવાઓ સુધી મર્યાદિત હતો, પરંતુ હવે સરકારે આવી તમામ કોમ્બિનેશન ધરાવતી દવાઓને આ નિયમ હેઠળ આવરી લીધી
છે. આ દવાનું કોમ્બિનેશન સામાન્ય રીતે બંધ નાક, વહેતું નાક,
છીંક આવવી, એલર્જી અને સામાન્ય ફ્લૂના લક્ષણોમાંથી
તુરંત રાહત મેળવવા માટે વ્યાપકપણે આપવામાં આવતું હતું. જો કે, નિષ્ણાતોની કમિટી અને ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડએ પોતાની સમીક્ષામાં નોંધ્યું
કે શિશુઓ અને 4 વર્ષથી નાની
વયનાં બાળકોમાં આ દવાઓનો ઉપયોગ ગંભીર આડઅસરો અને સ્વાસ્થ્ય જોખમો ઊભા કરી શકે છે. નિષ્ણાતોનું
માનવું છે કે, આ વયજૂથનાં બાળકો માટે
બજારમાં અન્ય સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે, તેથી આ હાઇ-રિસ્ક કોમ્બિનેશનના
અંધાધૂંધ વપરાશ પર રોક લગાવવી જરૂરી હતી.