મોસ્કો, તા. 17 : રશિયાએ શનિવારની મોડી રાત્રે
યુક્રેનનાં ક્રિવીરિહ શહેરમાં ભારતીય અબજપતિ લક્ષ્મી મિત્તલની કંપની આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટ પર નિશાન
સાધતાં મિસાઇલ હુમલો કર્યો હતો, જેમાં
બે લોકોનાં મોત થયાં હતાં, તો અન્ય 13 ઘાયલ થયા હતા. ભારતીય ઉદ્યોગપતિનો
આ પ્લાન્ટ યુક્રેનનો સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ છે. પ્લાન્ટની ઊર્જાવ્યવસ્થા સહિત મહત્ત્વના
ભાગોને નુકસાન થતાં કામ રોકી દેવું પડયું હતું. ઘાતક હુમલા બાદ એમ્બ્યુલન્સ, અગ્નિશામક દળ અને બચાવ-રાહત ટીમના જવાનો ધસી
ગયા હતા અને રાહત કામગીરી તરત આદરી હતી. લક્ષ્મી મિત્તલના આ જ પ્લાન્ટ પર 2022માં પણ રૂસે કરેલા હુમલામાં
એક કર્મચારીનું મોત થઇ ગયું હતું. પ્લાન્ટની એક રોલિંગ મિલ નષ્ટ થઇ ગઇ હતી. વળતા પ્રહારમાં
યુક્રેને મોસ્કો ક્ષેત્રમાં મોટો હુમલો કર્યો હતો. મોસ્કોના ગવર્નર આંદ્રે વોરોબ્યોવે
કહ્યું હતું કે, હુમલામાં 83 વર્ષની એક વ્યક્તિનું મોત થયું
હતું, તો અનેક લોકો ઘાયલ થયા હતા. યુક્રેનની સેનાએ
કહ્યું હતું કે, રૂસના ચેસ્તોવ ક્ષેત્રમાં મિસાઇલ ઇંધણ બનાવતી
એક ફેક્ટરીને પણ નિશાન બનાવી હતી. આર્સેલર મિત્તલ યુક્રેનની અર્થવ્યવસ્થા માટે એક મહત્ત્વપૂર્ણ
ઉદ્યોગ છે, જે દુનિયાભરની મોટી સ્ટીલ કંપનીઓની હરોળમાં અગ્રસ્થાન
ધરાવે છે.