• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

સપ્ટેમ્બરમાં ગોપાલપુર રેલવે સ્ટેશન કાર્યરત થશે પણ...

ગાંધીધામ, તા. 17 :   રેલવે પ્રશાસન દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ગોપાલપુર રેલવે સ્ટેશન કાર્યરત કરવાનું છે અને અહીંથી મોટાભાગની ટ્રેનોનું સંચાલન થવાનું છે, તે વચ્ચે 135 કરોડના ખર્ચે જે રિંગરોડ બનાવવાનો છે, તેના હજુ કોઈ ઠેકાણા નથી. કામ શરૂ થયું નથી, આ ઉપરાંત રેલવે સ્ટેશનને જોડતા અલગ-અલગ ચાર માર્ગોની સ્થિતિ સારી નથી, એટલે લોકોને સ્ટેશને પહોંચવા માટે અનેક કોઠાઓ વિંધવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.  ગાંધીધામ કોર્પોરેશન દ્વારા લોકોને માળખાગત સુવિધાઓ આપવા માટે કરોડો રૂપિયાના કામો શરૂ કરી દેવાયા હતા. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાણી ગાંધીધામની ભારતના સારા શહેરોમાં ગણના થાય તે હેતુથી તમામ કામો શરૂ કરાવીને તેની ઉપર વ્યક્તિગત નજર રાખતા હતા અને કામગીરી બાબતે સમીક્ષા કરતા હતા, જરૂરી સૂચનાઓ પણ ઇજનેરોને આપતા હતા, તેમની બદલી થઈ ગયા પછી વહીવટ ખાડે જઇ રહ્યો છે. જે 200 કરોડથી વધુના વિકાસના કામો શરૂ કરાયા હતા, તેમાં અમુક કામો પૂર્ણ થયા છે. બાકીના કામો કુશળ એન્જિનીયરોના અભાવે નબળી ગુણવત્તાના થઈ રહ્યાં છે, તો ઘણા કામો લાંબા સમયથી મંથરગતિમાં છે. હાલના સમયે કામો ઉપર દેખરેખનો અભાવ છે, પરિણામે જે હેતુ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે, તે હેતુ પૂરેપૂરો સાર્થક થતો નથી. ખરેખર સત્તાધીશો અને ઉચ્ચ અધિકારીઓએ સમીક્ષા કરવાની જરૂરિયાત છે. લોકોના ટેક્સના પૈસે કામો થાય છે, તો તેની ગુણવત્તા સાથે જ શા માટે સમાધાન કરવામાં આવી રહ્યું છે તે સહિતના સવાલો જાગૃત નાગરિકો પૂછી રહ્યા છે. બદતર સ્થિતિ વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં રેલવે પ્રશાસન ગોપાલપુર સ્ટેશન કાર્યરત કરવાનું છે અને મોટાભાગની ટ્રેનોનું અહીંથી સંચાલન થવાનું છે, પરંતુ સ્ટેશને પહોંચવા માટે સારા માર્ગોની જરૂરિયાત રહે છે, રાષ્ટ્રીય ધોરીમાર્ગના સર્વિસ રોડ ખોડિયારનગરથી લઈને આદિપુર જીઆઇડીસી સુધી 135 કરોડ રૂપિયાના ખર્ચે રિંગરોડ બનાવવાનો છે, કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર આપી દીધો છે, પરંતુ કામ શરૂ થયું નથી. પરિણામે મુસાફરોને સ્ટેશને પહોંચવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. ગાંધીધામ આર્થિક પાટનગર હોવાથી ઔદ્યોગિક કામો માટે દેશના વિવિધ શહેરોમાંથી અહીં લોકો સમયાંતરે આવતા હોય છે, ત્યારે સ્ટેશનથી બહાર નીકળતાં જ પ્રવાસીઓની સામે ગાંધીધામની નકારાત્મક તસવીર સામે આવશે. ગાંધીધામની વિકસિત અને સુવિધાયુક્ત શહેરોમાં ગણતરી થાય તે માટે વ્યવસ્થિત આયોજન કરવું જરૂરી છે અને તેના માટે કુશળ માનવબળની આવશ્યકતા રહે છે, પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે, મહાનગરપાલિકાની અંદર મોટી સંખ્યામાં ઇજનેરો છે, પરંતુ કુશળતાનો અભાવ જોવા મળી રહ્યો છે. અલગ-અલગ જે કામો થઈ રહ્યા છે, તેનું નિરીક્ષણ કરવામાં આવે તો પણ ખ્યાલ આવી શકે તેમ છે. આગામી સમયમાં કરોડો રૂપિયાના કામો કરવાના છે, ત્યારે વહીવટી તંત્ર કુશળ માનવબળ માટે સરકાર સમક્ષ રજૂઆત કરે તે જરૂરી છે.

Panchang

dd