• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

વિથોણ પંથકમાં ખેતપેદાશને જીવાતનો ભય

વિથોણ (તા. નખત્રાણા), તા. 17 : વરસાદમાં વિલંબ અને ધાબડિયાં વાતાવરણને કારણે ખરીફ પેદાશો ઉપર તો જીવાતનો ખતરો જળૂંબી રહ્યો છે તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિથોણ પંથકની ખેતીપેદાશોને જીવાતથી બચાવવા ખેડૂતો રાત-દિવસ એક કરી રહ્યા છે. વરસાદ ખેંચાતા ખરીફ પેદાશો ઉપર માઠી અસર થવાની ભીતિ સેવાઇ છે. જીવાત અને જંગલી જાનવરોની કનડગતને પહોંચી વળવા ખેડૂતો ઉજાગરા કરી ફસલોને રક્ષણ આપી રહ્યા છે. જંગલી સુવરો ફસલની નખ્ખોદ કાઢી રહ્યા છે. અધકચરા વરસાદ પછી વતાવરણ સતત વાદળછાયું રહેતું હોવાથી કપાસ અને મગફળીમાં જીવાત જોવા મળે છે. જેને નાથવા ખેડૂતો સતત દવાનો છંટકાવ કરી રહ્યા છે. વરસાદની ઘટને કારણે પાતાળી બોરના પાણી ઊંડા ઊતરવા લાગ્યા છે. જેને કારણે ખેડૂતોને મોટરો નીચી ઉતારવાની ફરજ પડી છે. ખાતર, દવા, બિયારણ મોંઘા હોવાથી ખેડૂતો આર્થિક ભીંસમાં છે. ઉત્પાદન ઓછું થવાથી પાક ધિરાણના રૂપિયા ભરવા વ્યાજે રૂપિયા લેવા પડે છે. છાશવારે આકાશી આફતોને કારણે ફસલોને પારાવાર નુકસાન થાય છે, ત્યારે ખેડૂતોને હાથના કર્યા હૈયે વાગે છે. પશ્ચિમ કચ્છ માટે હવામાન વિભાગ અને મોસમના નિષ્ણાતોની આગાહીઓ ખોટી પડી રહી છે. મજૂરીકામના ભાવ સતત વધતા જાય છે અને ખરે ટાંકણે શ્રમિકો ન મળવાથી ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેવું શાંતિલાલ નાયાણીએ જણાવ્યું છે. જીવાતે સમગ્ર પંથકની ખેતીને પાંગળી બનાવવા ભરડો લીધો છે. ઘણી વખત દવાના અખતરા નિષ્ફળ થઇ જાય છે. મીલીબગ, ચુસિયા અને લીલી ઇયળનું આક્રમણ મોલાતને પાંગરવા નથી દેતી, સરવાળે છોડ પીળા પડીને સુકાઇ જાય છે. જીવાત પાંગરવાનું કારણ ઓછા વરસાદને કારણે જમીન ઉપરનો ક્ષાર ધોવાયો નથી તેવું ખેડૂતોએ જણાવ્યું છે.

Panchang

dd