રામજી મેરિયા દ્વારા : ચોબારી, તા. 17 : `વરસે તો વાગડ ભલો' આ કહેવત હવે વાગડ વિસ્તારને માટે `કાયમી વાગડ ભલો'માં પરિણમી છે. નર્મદા કેનાલ આવ્યા બાદ આ વિસ્તારની
તસવીર અને તાસીરમાં પણ પરિવર્તન આવ્યું છે. લોકો પ્રાકૃતિક ખેતી અને બાગાયતની સાથે
પશુપાલનનો વ્યવસાય પણ સારી રીતે કરે છે. જેમ જેમ પશુ પાલનનો વ્યવસાય વધ્યો તેમ `ગાયો'ની સંખ્યા પણ વધી છે. ગાયોની વધતી સંખ્યાને લઇને રખડતા નંદીઓની સંખ્યામાં પણ
વધારો થયો છે. લોકોમાં જાણે માનવતાની ઉણપ વર્તાઇ હોય તેમ અશક્ત ગાયો અને નંદીઓને રેઢા
મૂકી દેવામાં આવે છે, જેને લઇને શહેરી વિસ્તારમાં સમસ્યા સર્જાઇ
છે. આવા સમયે જીવદયાપ્રેમીઓ પણ બહાર આવ્યા છે અને સાચી દિશામાં ગૌસંવર્ધન થાય તે માટે
મથામણ કરી આવાં પશુઓને માટે ગૌશાળારૂપી આશ્રયસ્થાન ઊભું કરીને અનેરી સેવાની જ્યોત વાગડ
વિસ્તારમાં ઊભી કરી છે. ભચાઉ તાલુકાનાં તોરણિયા ગામ પાસે આવેલી શેતરવાની વીડી નામે
ઓળખાતી 800 એકર જમીન કે જે વર્ષોથી મુંદરા
પાંજરાપોળ હસ્તકની છે, જે કંથકોટની
નજીક આવેલી છે. આટલો મોટો ચરિયાણ વિસ્તાર 140થી આ પાંજરાપોળ માલિકીની છે,
પરંતુ વર્ષોથી પડી રહેલી આ મહત્ત્વની જમીન પર ભૂમાફિયાઓનો ડોળો પડતા
આ જમીન હડપી લેવાની તજવીજની ગૌપ્રેમી આધોઇ ગામના જૈન અગ્રણીને જાણ થતાં મુંબઇ વસતા
લક્ષ્મીચંદ ચરલાએ મુંબઇ છોડીને માદરે વતન પરત ફરી બાકીનું સેસ જીવન ગૌસંવર્ધનનાં કામમાં
પરોવાઇ ગયા છે. આ જમીનને ગૌશાળાના ચરિયાણ માટે બચાવવા કમર કસી અનેક સંઘર્ષ કરીને છેલ્લા
એકાદ વર્ષથી વાગડ વિકાસ સંઘ નામના ટ્રસ્ટ મારફતે શ્રીરામકૃષ્ણ મહાવીર ગૌશાળા શરૂ કરી
શેતરવારી વીડીમાં સેવાની જ્યોત જખાવી છે. સ્થાનિકે રામજીભાઇ અને સંચાલન કરવા મહેશભાઇ શાહનો સહકાર સાંપડયો છે. આ પરિસરમાં અલભ્ય વૃક્ષો
અને વનસ્પતિ જોવા મળી હતી, જેમાં લુપ્ત થતાં વૃક્ષો, ખાખરો, ખીજડો, કેયડો, હરમુ, વિક્રૌ, ગોરડ, મીઠી જાર, બોરડી, મીઠો બાવળ,
ગુગળ, ગળગેંટી, કુંદેરી ઉપરાંત
ઔષધિય વનસ્પતિમાં સતાવી પુષ્કળ પ્રમાણમાં જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે
હરણ, ઝરખ, શિયાળ, સસલા, લોંકડી, નિલગાય જેવા પ્રાણીઓ
સારી એવા સંખ્યામાં જોવા મળે છે. એકાદ વર્ષની મહેનતમાં લક્ષ્મીચંદભાઇએ દાતાઓના સહયોગથી
તળાવો, ગૌસેવા, ગાયોને રહેવા માટે વાડા, શેડ અને સ્ટાફ માટેના
કેટલાક રૂમ તૈયાર કરીને જંગલમાં મંગલ ઊભું કર્યું છે. અહીં પાણી માટે બે બોર પણ બનાવાયા છે એમ જણાવ્યું હતું. સામાન્ય વરસાદ
થતાં અહીં ખોદાયેલાં તળાવમાં સામાન્ય પાણી આવતાં અહીંનાં પશુધન કુદરતના ખોળે ખુશખુશાલ
દેખાતાં આ જગ્યા જાણે `વાગડનું વૃંદાવન' હોય તેવી પ્રતીતિ કરાવનારું લાગે છે. મોટા ઘટાદાર કેસૂડાનાં વૃક્ષો,
આંખોને ઠંડક આપનારા અને સૂકાભઠ્ઠ વિસ્તારમાં મીઠો છાંયડો પ્રદાન કરે
છે. પ્રકૃતિપ્રેમીઓએ આ વિસ્તારની એકવાર અવશ્ય મુલાકાત લેવી જોઇએ. ગૌપ્રેમી હકુમતસિંહ
જાડેજાએ પોતાની ટીમ સાથે આ વિસ્તારની મુલાકાત લઇને રાજીપો વ્યક્ત કર્યો હતો અને ગૌપ્રેમીઓને
આ સેવા યજ્ઞમાં જોડાવા હાકલ કરી હતી. અહીં અનેક વૃક્ષોનું ઉછેર પણ કરવામાં આવી રહ્યું
છે. ભવિષ્યમાં આ સ્થળ વાગડ વિસ્તારનો વૃંદાવન બની રહેશે. સ્થાનિક લોકો પણ તનમનથી સહયોગ
આપી રહ્યા હોવાનું લક્ષ્મીચંદભાઇએ જણાવ્યું હતું.