• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

મુંદરાના શો-રૂમમાં 15 હજારનાં બિલ માટે 1.10 કરોડનું નુકસાન

ભુજ, તા. 17 : મુંદરાના મોટા કપાયા પાસે વી.ઇ. કોમર્શિયલ વ્હીકલ લિમિટેડ (આઇસર)ના વર્કશોપમાં તાલીમ માટે ગયેલા ટીએ-ડીએનાં બિલ ખોઇ નાખતાં તે કર્મચારીએ મગજનો પિત્તો ગુમાવી પોતાના સિનિયરને  મારામારીની સાથોસાથ તોડફોડ અને સ્પેરપાર્ટસમાં આગ ચાંપી 1.10 કરોડનું નુકસાન કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર બનાવ અંગે આજે મુંદરા પોલીસ મથકે દીપક ગોરધનભાઇ નાઇએ નોંધાવેલી ફરિયાદની  વિગતો મુજબ મુંદરા તાલુકાના વિરાણિયા ગામે રહેતો અશ્વિન મહેશ્વરી વોલ્વો ગ્રુપની આઇસર મોટર્સ લિ.ની વી.ઇ. કોમર્શિયલ વ્હીકલ્સ લિ.ના વર્કશોપમાં આસિસ્ટન્ટ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે. થોડા દિવસો પહેલાં તાલીમ માટે કંપનીએ તેને બહાર મોકલ્યો હતો, જેના ખર્ચ પેટેના ટીએ-ડીએનાં રૂા. 15,000નાં બિલ તેણે વર્કશોપના એડવાઇઝર દીપક નાઇને આપ્યા હતા. દીપકે આ બિલ ખોઇ નાખતાં 15મી ઓગસ્ટના રાતે અશ્વિને `તમે મારા બિલ ખોઇ નાખતાં કંપની તરફથી મને રૂપિયા મળતા નથી' કહી દીપક સાથે ઝઘડો કર્યો હતો, ત્યારબાદ અશ્વિને દીપકની ક્વિડ ગાડીની ચાવી માગતાં તેણે ચાવી આપી હતી અને ડરી ગયેલો દીપક વર્કશોપમાં આવેલા પોતાના રૂમમાં જતો રહ્યો હતો, પણ અશ્વિન રૂમ પાસે આવી દરવાજો ખોલવા કહ્યું, પણ દીપકે દરવાજો ન ખોલતાં તેણે લાત મારી દરવાજો તોડી રૂમમાં આવી માર માર્યો હતો. બાદમાં અશ્વિન હથોડા અને પથ્થરથી ક્વિડ ગાડી નં. જી.જે.- 16-બીએન-3948ના બધા કાચ તોડી નાખી ફરી દીપકને  ધકબૂસટનો માર મારવા લાગતાં અન્ય કર્મચારીઓએ છોડાવ્યો. આ બાદ દીપક શો-રૂમથી નીકળી શક્તિનગર ડાયરા હોટેલ ઉપર જતો રહ્યો હતો. સવારે ચાર વાગ્યે શો-રૂમે આવતાં ફરિયાદીને જાણવા મળ્યું કે, પિત્તો ગુમાવી ચૂકેલા અશ્વિને વર્કશોપમાં પડેલી ચાર આઇસર ગાડીના કાચ તોડી નાખ્યા હતા. જોબકાર્ડ માટે રાખેલા ચાર ટેબલ, ઓફિસમાંના કોમ્પ્યુટર, ટીવી અને અન્ય સામાન તથા ઓફિસના પ્રવેશના મુખ્ય કાચના દરવાજામાં તોડફોડ કરી બધું જ રમણભમણ કરી દીધું હતું. અશ્વિને સિક્યુરિટી ગાર્ડ પાસે સ્ટોરરૂમની ચાવી ખેંચી લઇને સ્ટોરરૂમ ખોલી તેમાં ઓઇલથી આગ લગાડી દીધી હતી. આમ આરોપી અશ્વિને દીપકની ક્વિડ ગાડી ઉપરાંત વર્કશોપમાં રિપેરિંગ માટે આવેલી ચાર આઇસર ગાડીના કાચ તોડી નાખ્યા હતા. આમ તોડફોડમાં 10 લાખનું નુકસાન તેમજ સ્ટોરરૂમમાં આગ ચાંપીને  એક કરોડનો સામાન સળગાવી નાખતાં કુલે રૂા. 1.10 કરોડનું નુકસાન કર્યાનું ફરિયાદમાં લખાવાયું છે. મુંદરા પોલીસે માર માર્યા ઉપરાંત નુકસાની અંગેની કલમો તળે ફરિયાદ દાખલ કરી છાનબીન આદરી છે.

Panchang

dd