• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

દુનિયાનાં સૌથી મોટાં ઈલેક્ટ્રિક વિમાને ભરી ઉડાન

વોશિંગ્ટન, તા. 17 : અત્યાર સુધી વિમાનની ઉડાનનો સીધો અર્થ હજારો લિટર ઇંધણ (ફ્યુઅલ)નો વપરાશ હતો, પરંતુ હવે હવાઈ સફરનું ચિત્ર બદલાવા જઈ રહ્યું છે. અમેરિકન સ્ટાર્ટઅપ કંપની `હર્ટ એરોસ્પેસ' દ્વારા વિકસાવવામાં આવેલાં વિશ્વનાં સૌથી મોટાં ઓલ ઈલેક્ટ્રિક વિમાને પોતાની પ્રથમ સફળ ટેસ્ટ ફ્લાઇટ પૂર્ણ કરી છે. 12 ઓગસ્ટે ન્યૂયોર્કના પ્લેટ્સબર્ગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરીને આ વિમાને એવીએશન સેક્ટરમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. પરીક્ષણ દરમિયાન એરોસ્પેસ એક્સ-1 વિમાને 1,100 ફીટની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી અને કુલ 27 મિનિટ સુધી હવામાં રહીને સફળ લેન્ડિંગ કર્યું હતું. આ ટેસ્ટ ફ્લાઇટ દરમિયાન વિમાનના ઈલેક્ટ્રિક પાવરટ્રેને એક મેગાવોટથી વધુ પાવર જનરેટ કર્યો હતો. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ સમગ્ર 27 મિનિટની ઉડાનમાં ઉપયોગમાં લેવાયેલી વીજળીનો બિલ ખર્ચ માત્ર પાંચ ડોલર (લગભગ રૂા. 480) આવ્યો હતો. આ કોઈ નાનું પ્રાઇવેટ પ્લેન નથી, પરંતુ વિશાળકાય ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ છે. પાંખોનો ફેલાવો : 32.3 મીટર (106 ફીટ), લંબાઈ : 23.2 મીટર (76 ફીટ), ઊંચાઈ : 7.3 મીટર, ટેકઓફ વજન : 11,340 કિલોગ્રામથી વધુ (25,000 પાઉન્ડ) છે. હાલમાં હવાઈ મુસાફરીમાં ફ્યુઅલનો ખર્ચ સૌથી મોટો ભાગ ભજવે છે, પરંતુ ઓલ-ઈલેક્ટ્રિક પાવરટ્રેન ધરાવતા આ વિમાનથી ઓપરાટિંગ કોસ્ટમાં જંગી ઘટાડો થશે. કંપની હવે 30 મુસાફરની ક્ષમતા ધરાવતું ઈએસ-30 નામનું હાઇબ્રિડ-ઈલેક્ટ્રિક વિમાન તૈયાર કરી રહી છે, જે રિજનલ એરલાઇન્સના ઓપરાટિંગ ખર્ચમાં 40 ટકાથી વધુનો ઘટાડો કરશે. આ વિમાન સંપૂર્ણ ચાર્જ્ડ બેટરી અને ફૂલ ટેન્ક સાથે 804 કિ.મી. (500 માઇલ) સુધીની મુસાફરી કરી શકશે, જ્યારે માત્ર ઈલેક્ટ્રિક મોડ પર 201 કિ.મી. (125 માઇલ) ઊડી શકશે. તેની બેટરી માત્ર 30 મિનિટમાં ફરી ચાર્જ થઈ શકશે. એરોસ્પેસ એક્સ-વન એ પેસેન્જર પ્લેન નથી, પરંતુ એક ટેસ્ટિંગ પ્લેટફોર્મ છે, જેના આધારે ઈએસ - 30 વિમાનની ટેક્નોલોજી પારખવામાં આવી રહી છે. ફેડરલ એવીએશન એડમિનિસ્ટ્રેશન (એફએએ)ની દેખરેખ હેઠળ આ ટેસ્ટિંગ કરાયું હતું. કંપનીના સીઈઓ એન્ડર્સ ફોરસલુન્ડના જણાવ્યા મુજબ, 2028 સુધીમાં હાઇબ્રિડ ફ્લાઇટનું પ્રોડક્શન ટેસ્ટિંગ શરૂ થશે અને 2031 સુધીમાં ટાઇપ સર્ટિફિકેશન મેળવવાનું લક્ષ્ય રખાયું છે.

Panchang

dd