નવી દિલ્હી, તા. 7 : ભારે વરસાદ દેશના અનેક ભાગમાં હવે આફતનું રૂપ લઈ રહ્યો છે. કેરળના
વાયનાડમાં ફરી એક વખત કુદરતનો કોપ તૂટી પડયો છે. સતત વરસતા વરસાદ વચ્ચે અહીં આજે મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થતાં ઓછામાં
ઓછા બે વ્યક્તિનાં મોત થયાં હતા. કાટમાળની નીચે હજુ પણ અનેક લોકો દબાયા હોવાની આશંકા
વચ્ચે મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટના સામે આવ્યા બાદ બચાવ અને રાહત કાર્ય
શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રીએ ભૂસ્ખલન અંગે કોંકણ રેલવે પર બેદરકારીનો
આરોપ લગાવી ઘટનાને `માનવસર્જિત' ગણાવી હતી. ભૂસ્ખલનની ઘટના કલ્લાડીમાં મીનાક્ષી
પુલ પાસે બની હતી. આ એ જ વિસ્તાર છે જ્યાં મલપ્પુરમ અને વાયનાડ જિલ્લાને જોડનારી અનાક્કમપોઈલ-મેપ્પડી
ટનલ માર્ગ પરિયોજનાનું કામ ચાલી રહ્યું છે. જે સમયે પહાડ તૂટયો, તે વખતે ટનલ પરિયોજનાથી જોડાયેલા મજદૂરો ઉપસ્થિત હતા અને પહાડના મોટા હિસ્સા
નીચે દબાયા હતા અને મજદૂરોના પરિવહન માટે ઉપયોગમાં લેવાતી અમુક ગાડીઓ પણ પહાડના કાટમાળ
નીચે દબાઈને નષ્ટ થઈ ગઈ હતી. પહાડનો મોટો હિસ્સો તૂટી પડયા બાદ સ્થાનિક લોકો બચાવ માટે
આવ્યા હતા અને અમુક લોકોને કાટમાળ નીચેથી સલામત ખસેડયા હતા. તંત્રને હજુ પણ 10થી વધુ લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા
છે. ઘટનામાં ઈજા પામેલા છ ગંભીર ઈજાગ્રસ્તને
હોસ્પિટલમાં સારવાર તળે રાખવામાં આવ્યા છે.
ભૂસ્ખલન અંગે કેરળ સરકારના મંત્રીઓએ કોંકણ રેલવે પર બેદરકારીના ગંભીર આરોપ લગાવ્યા
હતા. ઘટનાસ્થળે રવાના થતા પહેલાં કૃષિમંત્રી ટી. સિદ્દીકીએ કહ્યું કે આ કુદરતી નહીં
પરંતુ માનવસર્જિત આપત્તિ છે. જિલ્લા કલેકટરે કોંકણ રેલવેને ભૂસ્ખલનના ખતરાની ચેતવણી
આપી હોવા છતાં તેમના તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતાં.